હાલોલ મામલતદાર એક્શન મોડમાં : 9 સર્વે નંબરોના જમીન માલિકોને અંદાઝે 2.15 કરોડ પ્રીમિયમના નાણા ભરપાઈ કરવાની આખરી નોટિસ ફટકારી

હાલોલ મામલતદાર કચેરીના મહેસુલ વિભાગ દ્વારા જે ઈસમો મૂળ ખેડૂત ખાતેદારો નથી અને બોગસ ખેડૂતના દાખલાઓના આધારે ખેતીની જમીનો ખરીદ કર્યા બાદ આ ખેતીની જમીનોના અન્ય ખેડૂત ખાતેદારોને વેચાણ દસ્તાવેજો કરી દેવાના અને પ્રીમિયમને પાત્ર ખેતીની જમીનોને તબદીલ કરી દેવાના તપાસો દરમિયાન બહાર આવેલા ચોંકાવનારા પ્રકરણો સામે 09 જેટલા જમીનધારકોને અંદાજે 2.15 કરોડ રૂપિયાના પ્રીમિયમના નાણા ભરપાઈ કરવાની અંતિમ નોટિસ ફટકારવામાં આવતાં બિલ્ડર લોબીમાં અંદરખાને જબરદસ્ત ખડભડાટ પ્રસરી જવા પામ્યો છે.

હાલોલ તાલુકામાં બોગસ ખેડૂતના દાખલાઓને આધારે જમીનો ખરીદ કરવામાં આવ્યા બાદ આવી જમીનો અન્ય ખેડૂત ખાતેદારોને વેચાણ કરી દસ્તાવેજો કરી આપવામાં આવ્યા હોય તેવા પ્રીમિયમને પાત્ર સર્વે નંબરોના વેચાણ દસ્તાવેજો કરાવી લેનાર ખેડૂત ખાતેદારોને હાલોલ તાલુકા મામલતદારના મહેસુલ વિભાગ દ્વારા અંતિમ નોટિસોની બજવણી કરતાં આ બિનખેડૂત પ્રકરણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

હાલોલ શહેરને અડીને આવેલ ગોપીપુરા ગ્રામ પંચાયતના 7 સર્વે નંબરોમાં સર્વે નંબર 239, 237, 234/1, 234/2, 234/3, 238 અને 291 તેમજ મઘાસરના સર્વે નંબર 112 અને સુલતાનપુરાના સર્વે નંબર 77ના જમીનધારકોને 300% પેનલ્ટી જ્યારે પ્રતાપુરાના સર્વે નંબર 3 અને સાથરોટના સર્વે નંબર 662ના ખેડૂત ખાતેદારોને 10% પેનલ્ટી ભરવાની નોટિસો મહેસુલ વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ તમામ નોટિસોમાં 300% પેનલ્ટીની રકમનો આંકડો ₹ 2 કરોડ 15 લાખ 93 હજારથી વધુ અને 10% પેનલ્ટીની વસૂલાતનો આંકડો ₹ 01 લાખ 27 હજાર 190 જેટલો થાય છે.

ગોપીપુરા ગામના 7 સર્વે નંબરોના ખેડૂત ખાતેદારોને 300% પેનલ્ટી સાથે પ્રીમિયમના નાણા ભરપાઈ કરવાની આખરી નોટિસ ફટકારવામાં આવતાં બોગસ ખેડૂતના દાખલાઓના આધારે ખેતીની જમીનો ધારણ કરનારા પાસેથી જમીનો ખરીદ કરનારાઓમાં ભારે હડકંપ પ્રસરી જવા પામ્યો હોવાની ભયભીત ચર્ચાઓ બિલ્ડર લોબીમાં શરૂ થવા પામી છે. આ જ પ્રકારના વધુ પ્રકરણો બહાર આવે એવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.

હાલોલના હરણફાળ વિકાસ ફરતે આવેલ કેટલીક ખેતીની જમીનોના ખરીદ વેચાણ દસ્તાવેજો કરનારા બિલ્ડર લોબીના વગદાર ચહેરાઓએ રજૂ કરેલા પોતે ખેડૂત હોવાના રજૂ કરેલા ખેડૂત ખરાઈના દાખલાઓ સામે હાલોલ મામલતદાર કચેરીના મહેસુલ વિભાગ દ્વારા ગુપ્તરાહે કાયદેસર તપાસો હાથ ધરવામાં આવી હતી. આ પ્રકારની તપાસોના ભણકારાઓ વચ્ચે આ બની બેઠેલા બોગસ ખેડૂતોએ આ ખેતીની જમીનોના અન્ય ખેડૂત ખાતેદારો સાથે વેચાણ દસ્તાવેજો કરી દીધા હોવાનું બહાર આવ્યું હતું.

આ સંદર્ભમાં હાલોલ મામલતદાર કચેરીના મહેસુલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા કાયદેસર કાર્યવાહીના અંતે તમામ ખાતેદારો ને નોટિસો આપવામાં આવી હતી. 23 સપ્ટેમ્બરે એક મહિનાની મુદતની આખરી નોટિસ ફટકારવામાં આવતાં બિલ્ડર લોબીમાં ભારે હડકંપ પ્રસરી જવા પામ્યો છે. જો આખરી નોટિસ પછી પણ ખાતેદારો દ્વારા પેનલ્ટીની ભરપાઈ કરવામાં નહીં આવે તો તમામ સર્વે નંબરો પ્રાંત અધિકારીની કચેરીમાં રીવ્યુ માટે મોકલી દેવામાં આવશે. જ્યાંથી તમામ સર્વે નંબરો શ્રી સરકાર કરવાના હુકમ થશે તેમ મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે.