બીજા નોરતે સગીરા પર ગેંગરેપ : વડોદરામાં ભાયલી વિસ્તારમાં બનાવ બન્યો, સ્થળ પાસેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળ્યા

વડોદરા શહેરમાં અપાર ઉત્સાહ સાથે નવરાત્રિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે સગીરા ઉપર મોડીરાત્રે ભાયલી વિસ્તારમાં ગેંગરેપ ઘટના બનતા સનસનાટી મચી ગઈ છે. તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળ પાસેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા છે. જે પોલીસે કબ્જે કરી હવસખોરોની શોધખોળ હાથ ધરી છે.

વડોદરાના એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે, ગઈકાલે મોડીરાત્રે દુષ્કર્મની ઘટના બની હતી. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે 11.30 વાગ્યે મળી હતી. ત્યાંથી ભેગા થઈને બન્ને ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટી છે તેની આજુબાજુમાં વાત કરવા માટે ગયા હતા. 12 વાગ્યાના અરસામાં બે બાઈક પર પાંચ લોકો આવ્યા હતા. જેમાં એક બાઈક પર બે જણા અને બીજી બાઈક પર ત્રણ શખસ હતા. આ પાંચેય શખસોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી. જેનો પ્રતિકાર પીડિતા અને તેનો મિત્ર કરતો હતો. આમાંથી બે લોકો પહેલા નીકળી ગયા હતા. બાકીના ત્રણમાંથી એક શખસે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને બે શખસે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. પછી આ લોકો ત્યાંથી નિકળી ગયા હતા. પીડિતા પછી સંતુલિત થઈ મિત્ર સાથે પોલીસને જાણ કરી તો તે પણ ત્યાં પહોંચી. ઘટનાસ્થળને પહેલા કોર્ડન કરવામાં આવ્યું છે. સ્થળ પરથી ઘણા બધા પૂરાવા મળી ગયા છે. આ જગ્યા પર ઘણું અંધારૂ હતું. દિવસમાં પણ ઘણો અવવારૂ વિસ્તાર જોવા મળે છે.

વધુમાં જણાવ્યું હતું કે, પીડિતા અને તેના મિત્રને આરોપીઓના ચહેરા ઓળખી શક્યા નથી પણ તેની વાતની શૈલી કેવી હતી, શરીરનો બાંધો કેવો હતો તે અમને જણાવ્યું છે. ગરબા સાથે આ ઘટનાને કોઈ સંબંધ નથી. પીડિતા ઘરેથી 10.30 કે 10.45 વાગ્યાના અરસામાં નિકળી હતી. તેના મિત્રને 11 વાગ્યે લક્ષ્મીપુરા વિસ્તારમાં મળી હતી. ત્યાંથી મિત્રની સ્કૂટી પર બન્ને ભેગા થઈને સનસિટી વિસ્તાર છે ત્યાં 11.45 વાગ્યાના અરસામાં પહોંચ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, પીડિતા પર પ્રાંતીય છે, તેનો મિત્રનો કોઈ આઈડિયા નથી. લગભગ એ અહીંયાનો છે. આરોપીઓ હિન્દી-ગુજરાતી બન્ને ભાષામાં વાતો કરતા હતા. પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે. પાંચ આરોપીઓમાં બે સગીર હતા અને તે બન્ને અભદ્ર ભાષામાં વાત કરીને જતા રહ્યા હતા. પીડિતા અને તેનો મિત્ર અવાવરૂ જગ્યાએ ડિવાઈડર પર બેઠા હતા. બન્ને વાતો કરતા હતા ત્યારે આ પાંચ શખસો આવ્યા હતા.

પીડિતાના પિતાની ફરીયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પીડિતાનો મિત્ર ધોરણ 11માં અભ્યાસ કરે છે. આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ તંત્રની એલસીબી, એસઓજી તેમજ શહેર પોલીસ તંત્રની ટીમ મળી 5 ટીમો કામે લગાડી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઇ જશે તેમ જિલ્લા પોલીસ વડા રોહન આનંદે ઉમેર્યું હતું.