ગણેશ ગોંડલ 4 મહિના બાદ જેલમાંથી બહાર:હાઇકોર્ટે ગણેશ જાડેજાને 10,000ના બોન્ડ પર શરતી જામીન આપ્યા

ગોંડલના જ્યોતિરાદીપસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ સહિત અન્ય 5 આરોપીઓ સામે જુનાગઢ A ડિવિઝન પોલીસ મથકે IPC ની કલમ 143, 147, 148, 149, 307, 365, 323, 504, 506(2) અને આર્મ્સ એકટની કલમ 25(1-b)(a) તેમજ એટ્રોસિટી એકટની કલમ 3(2)(5) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે જ્યોતિરાદીપસિંહ સહિત 5 લોકોએ જૂનાગઢની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેને કોર્ટે ફગાવી દેતાં જ્યોતિરાદીપસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અગાઉની સુનવણીમાં હાઇકોર્ટે ફરિયાદીને નોટિસ આપીને પક્ષ રજૂ કરવા બોલાવ્યા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો ધ્યાને રાખીને આરોપીને 10 હજાર રૂપિયાના બોન્ડ ઉપર જૂનાગઢમાં 6 મહિના સુધી નહીં પ્રવેશવાની શરત સાથે જામીન આપ્યા હતા.

ફરિયાદીનું અપહરણ કરીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને માર્યો હતો ફરિયાદ મુજબ ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે જ્યારે મોટરસાયકલ લઈને પોતાના દીકરા સાથે ઘર તરફ જતો હતો. ત્યારે એક ગાડી ચાલકને વ્યવસ્થિત ગાડી ન ચલાવવા બદલ ટોક્યો હતો. જે સંદર્ભે ઝઘડો થવાનો જ હતો ત્યાં ફરિયાદીના પિતા આવી જતા સમાધાન થયું હતું. જોકે, તે વાતનું ખુન્નસ રાખીને ફરિયાદી રાત્રે પોતાના ઘરે જતો હતો ત્યારે તેનાં બાઇકને પાછળથી ટક્કર મારીને ગાડીમાંથી કેટલાક શખસો ઉતર્યા હતા. તેને લોખંડની પાઇપ વડે મારીને તેનું અપહરણ કરીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને માર્યો હતો.

ઘટનાના કોઈપણ CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા નથી ત્યારબાદ ફરિયાદીને ગાડીમાં અપહરણ કરીને ગોંડલ ખાતે આવેલ ગણેશ ગઢ લઈ જવાયો હતો. જ્યાં તેના કપડાં ઉતારીને તેને માર મરાયો હતો. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને સાથે જાનથી મારી નાખવાની અને NSUI છોડી દેવા ધમકી આપી હતી. વળી બાદમાં આરોપીની ઓફિસે લઈ જઈને પણ માર મરાયો હતો અને છેલ્લે ગાડીમાંથી ઉતારી દેવાયો હતો. અરજદારના વકીલે જુનાગઢની કોર્ટમાં દલીલ કરી હતી કે, ફરિયાદીને કઈ ગાડીમાં લઈ જવાયો તેનો નંબર ખબર નથી. આરોપી ફરિયાદીના જ્ઞાતિ વિરુદ્ધ કોઈ અપશબ્દ બોલ્યો નથી. ઘટનાના કોઈપણ CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા નથી. ફરિયાદીને ઇજા થયેલાના નિશાન નથી. વળી મોડી રાત્રે જ્યાં કોઈ હોય નહીં ત્યાં જાતિ વિશે શબ્દો બોલ્યા હોવાથી જે કલમો લગાવવામાં લાવી છે તે લાગી શકે નહીં.

ગણેશ ગોંડલ તરફે હાઈકોર્ટમાં દલીલ કરાઈ હતી કે ફરિયાદીને ઓછી જાઓ થઈ છે, તેને ફ્રેક્ચર પણ થયું નથી અને આરોપી ઉપર IPCની કલમ 307 એટલે કે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની ગાડીએ ફરિયાદીના બાઇકને ટક્કર મારી હોય તેવા કોઈ FSLના પુરાવા નથી. ફરિયાદી મુજબ તેને ગાડીમાં બેસાડી અલગ-અલગ જગ્યાએ લઈ જઈને માર માર્યો તેનો રૂટ ગણીએ તો 240 km જેટલો થાય. ફરિયાદીને ઉપાડ્યો અને ઉતાર્યો તે વચ્ચે બનેલી ઘટનાઓને પણ જોતા ફક્ત 2 કલાકના સમયમાં આટલી લાંબી ઘટના બની શકે નહીં. ફરિયાદીએ ફરિયાદમાં જણાવી છે કે, તેને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો અને તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો, પરંતુ આજ સુધી તે વીડિયો મળ્યો નથી. ફરિયાદીએ ખાલી વાર્તાઓ કરી છે. ફરિયાદીના પરિવાર ઉપર પણ 20 જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે.

આરોપીઓએ પોતાના મોબાઈલ તપાસ એજન્સીને આપ્યા નથી સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીના પિતાને IPCની કલમ 302 મુજબ આજીવન કારાવાસની સજા થઈ છે. હાઇકોર્ટે પણ આ સજા યથાવત રાખી છે. હવે અરજી સુપ્રીમ કોર્ટમા પેન્ડિંગ છે. આરોપીના પિતા 30 વર્ષથી સત્તાધારી પક્ષના મેમ્બર છે. જેથી આરોપીમાં ઘમંડનો મુદ્દો પણ છે. ફરિયાદી પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, નહીં તો સામાન્ય માણસ આટલો ત્રાસ સહન કરી શકે નહીં કે આટલી લડત આપી શકે નહીં. વળી આરોપીના રિમાન્ડને ટ્રાયલ કોર્ટે નકારી નાખતા, ટ્રાયલ કોર્ટના ચુકાદાને સરકારે હાઇકોર્ટમાં પડકાર્યો છે. જેની ઉપર આગામી સમયમાં સુનાવણી છે ત્યારે સરકારની આ અરજીને હાઇકોર્ટમાં અરજદારે પડકારી છે. આરોપીઓએ પોતાના મોબાઈલ તપાસ એજન્સીને આપ્યા નથી. વળી આરોપી પૈકી એક દિગુભા ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. આ ઘટના સમયે આરોપીઓની એકેય ગાડી ઉપર નંબર પ્લેટ લાગેલી નહોતી, આ નંબર પ્લેટ ગાડીની ડેકીમાં પડી હતી. પોલીસે ટોલનાકાના CCTV મેળવ્યા છે. ઉપરાંત ફરિયાદીને માર મારીને જ્યાં ઉતારાયો હતો તે કિઆ ગાડીના શોરૂમ ના પણ CCTV મેળવ્યા છે. આરોપીઓનો કોલ ડેટા રેકોર્ડ પણ મેળવવામાં આવેલ છે. આરોપીની માતા વર્તમાનમાં ધારાસભ્ય છે. આરોપી સાથે સંકળાયેલા મળતીયાઓ સોશિયલ મીડિયામાં કહે છે કે, ગણેશ ગોંડલને જામીન મળતા જ મોટી ઉજવણી કરવામાં આવશે.

ફરિયાદી તરફે વકીલે દલીલ કરી હતી કે, આરોપીઓએ ફરિયાદીનો ન્યૂડ વીડિયો ઉતાર્યો હતો. જે નથી મળતો એટલે કે આરોપીઓ તપાસમાં સહકાર આપતા નથી. આરોપીઓએ ફરિયાદીને જે હથિયાર વડે માર માર્યો હતો તે મળતા નથી, મતલબ કે આરોપીઓએ પુરાવાનો નાશ કર્યો છે. આરોપીઓએ પોતાનો મોબાઈલ પોલીસને નહીં આપીને તપાસમાં અસહકાર આપ્યો છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને નોંધ્યું હતું કે અરજદાર વગદાર અને ધારાસભ્યનો પુત્ર છે. તેને ફરિયાદીને ખરાબ રીતે માર માર્યાનો આક્ષેપ છે, ફરિયાદી શિડ્યુલ કાસ્ટમાંથી આવે છે. તેને તપાસમાં સરકાર નહીં અને મોબાઈલ પણ નહીં આપ્યાનો આરોપ છે. તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને માર મરાયો હોવાનો આરોપ છે. ટ્રાયલ કોર્ટે રિમાન્ડ નહીં આપતા સરકાર તેની સામે અપીલમાં હાઇકોર્ટમાં આવી છે તે અરજી પણ પેન્ડિંગ છે. આરોપીએ ફરિયાદીનો ન્યૂડ વીડિયો બનાવ્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદીના સારવાર સર્ટિફિકેટમાં તેને સામાન્ય માર મરાયો હોવાનું નોંધાયું છે. કોર્ટે બંને પક્ષોની દલીલો ધ્યાને રાખીને આરોપીને 10 હજાર રૂપિયાના બોન્ડ ઉપર જૂનાગઢમાં 6 મહિના સુધી નહીં પ્રવેશવાની શરત સાથે જામીન આપ્યા હતા.