મહિલાઓમાં ભારે આક્રોશ : બ્યુટી પાર્લરની કિટના ફોર્મમાં 22 વસ્તુ આપવાની જાહેરાત હતી, મળી માત્ર 2

લીંબડી માર્કેટિંગ યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું. જેમાં મહિલા લાભાર્થીઓને બ્યુટી પાર્લર સહિતની કિટ અને શ્રમજીવી લાભાર્થીઓને લારી, સુથારી કામના સાધનો, સિલાઈ મશીનરી, કડિયા કામના સાધનો સહિતની કિટનું વિતરણ કરાયું રહ્યું હતું. જે કાઉન્ટર ઉપર બ્યુટી પાર્લરની કિટનું વિતરણ થઈ રહ્યું હતું ત્યાં દેકારો થવા લાગ્યો હતો. મહિલાઓ રોષે ભરાઈને બ્યુટી પાર્લરની કિટમાં ઓછી વસ્તુ અપાતી હોવાની રાવ કરી હોબાળો મચાવવા લાગી હતી.

આ અંગે લીંબડી તાલુકાના અંકેવાળિયા ગામના આશાબેન સાકરિયાએ જણાવ્યું કે બ્યુટી પાર્લરની કિટમાં ફક્ત 1 ખુરશી અન્ય 1 મશીન આપવામાં આવ્યું છે. ખરેખર બ્યુટી પાર્લરની કિટમાં અનેક વસ્તુઓ હોય છે. બ્યુટી પાર્લરની કિટ મેળવવા માટે મેં જ્યારે ફોર્મ ભર્યું હતું ત્યારે તેમાં 22 વસ્તુ આપવાની જાહેરાત હતી. પરંતુ મને તો ફ્ક્ત 2 વસ્તુ મળી છે. ગરીબોને મળનારી વસ્તુઓનો ક્યાંક બારોબાર ખેલ થયો હોય એવું લાગે છે. મહિલાએ કરેલી રાવ સાચી છે કે ખોટી તે તો આવનારો સમય જ બતાવશે. પણ હા એક વાત જરૂર છે કે એક સમયે ખુબ ચાલેલા ગરીબ કલ્યાણ મેળા સફળ બનાવવા સરકાર માટે લોઢાના ચણા ચાવવા બરોબર બની ગયા છે.