દ્વારકા નજીક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. મળતી માહિતી મુજબ દ્વારકાથી 6 કિમી દૂર બરડિયા ફર્ન હોટેલ પાસે બસ, ઇકો (નંબર GJ18BL3159), સ્વીફ્ટ (નંબર GJ11BH8988) અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં 7 લોકોના મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઘાયલ લોકોને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ તથા જામનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. મૃત્યુઆંક વધવાની સંભાવના હોવાથી જામનગરની જી. જી હોસ્પિટલના સ્ટાફને પણ સ્ટેન્ડ બાય રખાયો છે.
પ્રાંત ઓફિસર અનમોલ અવટેએ જણાવ્યું હતું કે, ફર્ન હોટેલ પાસે એક રોડ અકસ્માત થયો છે. જેમાં એક બસ, બે કાર અને એક મોટર સાઈકલ વચ્ચે જોરદાર અકસ્માત થયો છે. જેમાં 7લોકોના મોત અને 14 લોકો ઘાયલ છે. ઘાયલોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મૃતકોમાં પાંચ લોકો કલોલ ગાંધીનગરના રહેવાસી છે. જેમાં હેતલબેન ઠાકુર (28 વર્ષ), પ્રિયાંશી ઠાકુર (18 વર્ષ), તાન્યા ઠાકુર (3 વર્ષ), રિયાંશ ઠાકુર (2 વર્ષ) અને વિરેન ઠાકુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બરડીયાના રહેવાસી 26 વર્ષીય ચિરાગ રાણાભાઇ અને અન્ય એક મહિલાનું પણ મૃત્યુ નીપજ્યું છે.
મૃતકોના નામ
- હેતલ અર્જુનભાઈ ઠાકુર (ઉં.વ.28, રહે. કલોલ, ગાંધીનગર)
- પ્રિયાંશી મહેશભાઈ ઠાકુર (ઉં.વ.18, રહે. કલોલ)
- તાન્યા અર્જુભાઈ ઠાકુર (ઉં.વ.3)
- રિયાંશ કિશનજી ઠાકુર (ઉં.વ.2)
- વિરેન કિશનજી ઠાકુર
- ચિરાગ રાણાભાઈ બારિયા (ઉં.વ.26, રહે. બરડીયા)
- અજાણી સ્ત્રી