સુરત શહેરમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈકાલ રાતેથી સુરત શહેરમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફલો હોવાથી નયનરમ્ય દૃશ્યો સામે આવ્યા છે. જ્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટી આજે સવારે 12 કલાકે 344 ફૂટ પર પહોંચી હતી.
વહેલી સવારથી જ વરસાદી માહોલ
ચોમાસાની ઋતુ પૂર્ણ થવાને આરે છે, ત્યારે સુરત જિલ્લામાં ફરી એક વખત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અખંડ આનંદ કોલેજથી કોઝવે તરફના રસ્તા પર પાણી ભરાયા હતાં, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવાથી કામકાજ અર્થે જતા લોકો તેમજ સ્કૂલ-કોલેજ જતા લોકોને છત્રી તેમજ રેઇનકોટ સાથે જવાની ફરજ પડી હતી. દર વર્ષની સરખામણીએ આ વર્ષે સુરતીઓ નજીવા વરસાદમાં પણ હાલાકી ભોગવતા જોવા મળ્યા છે.
સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફલો છે, જેને લઈને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ઓવરફલો હોવાથી અહી નયનરમ્ય દૃશ્યો સામે આવ્યા છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને 6 મીટરને પાર કરતા જ કોઝવે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવે છે. આજે સવારે 12 કલાકે કોઝવેની સપાટી 8.29 મીટર નોંધાઈ હતી. ભયજનક સપાટી કરતાં બે મીટર ઉપરથી તાપી નદી વહી રહી છે.
ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને આજે સવારે 12 કલાકની સ્થિતિએ ઉકાઈ ડેમની સપાટી 344 ફૂટ પહોંચી છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે સવારે 12 કલાકની સ્થતિએ ડેમમાં 69126 કયુસેક પાણીની આવક નોંધાઈ હતી. જ્યારે ડેમમાંથી 16742 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર સતત ઉકાઈ ડેમની સ્થિતિઓ પર નજર રાખીને બેઠું છે. ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો ઉકાઈ ડેમની સપાટી જાળવી રાખવા માટે આવક જેટલું જ પાણી જાવક પાણી છોડીને સપાટીને મેન્ટેન કરવાનો પ્રયાસ કરવામાં આવશે.