હમણાં થોડા મહિનાઓ પહેલાંની જ વાત છે. અમે હમણાં જ દ્વારકા ‘ઠાકર કરે ઈ ઠીક’ સોંગના શૂટ માટે જતા હતા ત્યારે અમારી કારમાં જ એક બહેનને માતાજી આવ્યાં અને અમને આશીર્વાદ આપ્યા કે ‘હું તમારી જોડે જ છું, તમારું હારું થશે.’ ઇવન અમારા બધા જ કોન્સર્ટમાં જ્યારે પણ અમે ડાકલાં પ્લે કરીએ એટલે ઓડિયન્સમાં કોઈ ને કોઈને માતાજી આવે જ છે. અમારા બધા જ કોન્સર્ટમાં માતાજીના આશીર્વાદ અમારી સાથે હોય જ છે.’
વાત કરી રહ્યા છે ‘અઘોરી મ્યુઝિક’ના આર્ટિસ્ટ. યુ નો અઘોરી મ્યુઝિક? હા, એ જ લોકો જે ડાકલાં અને ગુજરાતી ટ્રેડિશનલ મ્યુઝિક સાથે હિપહોપના ફ્યુઝનનો નવો કોન્સેપ્ટ લાવ્યા છે. તમે ડાયરા સાંભળ્યા હશે, ભજન સાંભળ્યાં હશે, જો (‘ગલી બોય’ ફિલ્મમાં બતાવેલું એવા) હિપહોપના શોખીન હશો તો હિપહોપ મ્યુઝિક પણ સાંભળ્યું હશે. ઇંગ્લિશ કે હિન્દી રૅપ સોંગ્સ સાંભળતાં હશો. હમણાં થોડાં વર્ષોથી તો ગુજરાતી રૅપ પણ ઘણા આર્ટિસ્ટ કરે છે, પણ અઘોરી મ્યુઝિક બેન્ડ હિપહોપ રૅપ અને ટ્રેડિશનલ ફૉક મ્યુઝિકને જોડીને પોતાનું અલગ મ્યુઝિક બનાવે છે, જેના કારણે યુવાનોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધા જ એમના દીવાના થઈ ગયા છે. બસ, એ જ અઘોરી મ્યુઝિકની ઈનસાઇડ સ્ટોરી જાણવા ‘દિવ્ય ભાસ્કર’એ બેન્ડ મેમ્બર્સ સાથે વાત કરી. જ્યારે આ રીતે રેપ અને માતાજીનાં સોંગ મિક્સ કર્યાં ત્યારે ઘણાએ ટોક્યા પણ હતા, બટ, અત્યારે ગુજરાતીઓ એના દીવાના છે. તો ચાલો… સાંભળીએ તેમની પાસેથી જ અઘોરી આર્ટિસ્ટના અઘોરી બેન્ડની અઘોરી વાતો…
‘ગુજરાતી રૅપ સોંગ’, એ વળી શું? ‘અઘોરી મ્યુઝિક’, આ નામ જ કંઈક ભેદી છે. આ આખું બેન્ડ બન્યું કેવી રીતે? એ વિશે તેના લીડ સિંગર કૃણાલ કારેલિયા ઉર્ફે ‘ક્રૂઝ’એ વાત શરૂ કરી, ‘હું જ્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતો હતો ત્યારે મેં હિપહોપ મ્યુઝિક વિશે સાંભળ્યું. મને વધુ જાણવાની ઈચ્છા થઈ. એ ટાઈમે મારો એક ફ્રેન્ડ આ પ્રકારનું મ્યુઝિક બનાવતો હતો. એટલે હું તેની પાસે ગયો. તેણે મને થોડાં સોંગ આપ્યાં કે આ બધાં સાંભળીશ તો તને હિપહોપ શું છે એ ખબર પડી જશે. એ સાંભળ્યા પછી તો મને હિપહોપનું ઘેલું લાગ્યું. એના થોડા ટાઈમમાં જ લગભગ આજથી છ-સાત વર્ષ પહેલાં એક ઓડિશનમાં હું ‘કે ડીપ’ને મળ્યો. (‘કે ડીપ’ એટલે આ બેન્ડના બીજા મેમ્બર કુલદીપ શ્રીમાળી!) કે ડીપના દાદા ભજન લખતા, એટલે એ ડાયરા સાંભળીને જ મોટો થયો હતો. તેને પણ હિપહોપમાં શોખ હતો તો એ ભજન અને ડાયરાને હિપહોપમાં કન્વર્ટ કરતો અને ગુજરાતી રૅપ સોંગ બનાવતો. ત્યારે ગુજરાતી રૅપ હજુ એટલું ફેમસ નહોતું, ક્યાંક ક્યાંક ગણ્યાગાંઠ્યા ગુજરાતી રૅપર હતા. હું એ ટાઈમે ઇંગ્લિશ-હિન્દી-ગુજરાતી બધું મિક્સ રૅપ મ્યુઝિક બનાવતો હતો. તો અમે બંને મળ્યા અને સાથે મ્યુઝિક બનાવવાનું નક્કી કર્યું કે કંઈક આપણી ભાષામાં બનાવીએ, જે આપણા કલ્ચરને રિપ્રેઝન્ટ કરતું હોય. લોકોને સંસ્કૃતિની સાથે હિપહોપ આપવા અમે અઘોરી મ્યુઝિક બનાવ્યું હતું.’
ગ્રેટ! પણ આ કૃણાલ ને કુલદીપ જેવાં સરસ ગુજરાતી નામો હતાં, તો પછી ‘ક્રૂઝ’, ‘કે ડીપ’ જેવાં વિચિત્ર નામો રાખવાનું કેમ સૂઝ્યું? એનું કારણ પડ્યું છે હિપહોપ મ્યુઝિકમાં. એની એવી પરંપરા રહી છે કે તેના આર્ટિસ્ટ પોતાનું એક હટ કે ફંકી સ્ટેજ નેમ રાખે. રણવીરની જ ‘ગલી બોય’ ફિલ્મમાં તેણે એ જ નામ પોતાના સ્ટેજ નેમ તરીકે અપનાવેલું. એની સાથે હતો એ સિદ્ધાંત ચતુર્વેદી ‘એમ.સી. શેર’ બનેલો. રિયલ લાઇફમાં અત્યારે ભારતનો રૅપર ‘એમ.સી. સ્ટેન’ કરોડો કમાય છે, એનું સાચું નામ અલતાફ તડવી છે! ખેર, બેક ટુ ‘અઘોરી મ્યુઝિક’…
‘હું આ રીતે મિક્સ મ્યુઝિક બનાવું છું, તું મારા વીડિયોમાં કામ કરીશ?’ શરૂઆતમાં ક્રૂઝ અને કે ડીપે અઘોરી મ્યુઝિકની શરૂઆત કરી. પછીથી હાર્ડી તેમની સાથે જોડાયો. હાર્ડી બોલે તો હાર્દિક તોમર. હાર્ડી કહે, ‘આજથી 8-10 વર્ષ પહેલાંથી હું ઇંગ્લિશ રૅપ મ્યુઝિક સાંભળતો, એટલે રૅપ મ્યુઝિક સાથે મારું બોન્ડિંગ સારું હતું. એ ટાઈમે ક્રૂઝ પણ ઇંગ્લિશ રેપ લખતો. એકવાર તેણે ઇંગ્લિશ રૅપ સોંગ લખ્યું હતું અને એ સોંગનો વીડિયો બનાવવો હતો. ક્રૂઝ અને હું એક જ સોસાયટીમાં રહીએ છીએ, એટલે એકવાર અમે સાથે ક્રિકેટ રમતા હતા ત્યારે તેણે મને બતાવ્યું કે મેં આ એક સોંગ બનાવ્યું છે, હું આ રીતે ગીતો બનાવું છું. તું તેના વીડિયોમાં કામ કરીશ? મને શું પ્રોબ્લેમ હોય! એટલે મેં તેની સાથે તેના વીડિયોમાં કામ કરવાનું ચાલુ કર્યું. 2016માં જ્યારે ક્રૂઝ અને કે ડીપે ‘અઘોરી મ્યુઝિક’ બેન્ડ બનાવ્યું. એ પછી હું તેની સાથે જોડાયો. પછી તો મેં પણ સોંગ્સ લખવાનું શરૂ કર્યું અને અત્યારે અમે ત્રણેય સાથે બેન્ડ ચલાવીએ છીએ.’
રજા ન મળી તો નોકરી છોડી દીધી આ ઉપર હાર્ડી હસતાં હસતાં ક્રૂઝની એક વાત યાદ કરતાં કહે, ‘મને યાદ છે, શરૂઆતમાં ક્રૂઝ એક મ્યુઝિક કંપનીમાં જોબ કરતો હતો. એ ટાઈમે અમારા એક સોંગનું રેકોર્ડિંગ કરવાનું હતું તો તેણે જોબમાંથી લીવ માગી, પણ તેને એ દિવસે લીવ ન મળી, તો ત્યારે ને ત્યારે ક્રૂઝે જોબમાંથી રિઝાઇન મૂકી દીધું અને સીધો જ રેકોર્ડિંગમાં આવી ગયો.’ ક્રૂઝ હસતાં હસતાં કહે, ‘એ મોમેન્ટ પર જ મેં નક્કી કરી લીધું હતું કે બેમાંથી કોઈ એક જ વસ્તુ સિલેક્ટ કરવાની હતી અને મેં અમારું અઘોરી મ્યુઝિક સિલેકટ કર્યું.’
‘અમે જે જીવીએ છીએ એ લખીએ છીએ’ તમારું મ્યુઝિક આજની જનરેશનને ગમે એવું હોય છે અને સાથે ટ્રેડિશનલ પણ હોય છે, તો એ મિક્સ કેવી રીતે કરો છો? ક્રૂઝ કહે, ‘હિપહોપ એ તમારી જાતને સરળતાથી કહેવાની રીત છે. તમારું કલ્ચર, તમે ક્યાંથી આવો છો, તમે શું છો એ તમારે કહેવાનું હોય. અમે બસ એ જ બતાવીએ છીએ, આ માટે અમારે ક્યાંયથી વાંચવા કે કશું રિસર્ચ કરવા નથી જવું પડતું. લોકો એમ કહે કે અમે આટલાં સારાં ગીતો કેવી રીતે લખીએ છીએ? પણ અમે કશું જ નથી કરતા. અમે ઘરે જે રીતે રહીએ છીએ, અમે અત્યારસુધી જે જોયું છે એ બધું બસ ગીતમાં કન્વર્ટ કરીએ છીએ. અમારું સોંગ ‘સોરઠ’ ગુજરાતના બધા જ લોકોએ સાંભળેલું હશે. એ લોકોને બહુ જ ગમ્યું હતું. એમાં પણ અમે સોંગ બનાવવા માટે કોઈ જ એક્સ્ટ્રા મહેનત નહોતી કરી. અમે ફક્ત જે જોયેલું છે, અમે જે જીવી રહ્યા છીએ એ કહીએ છીએ. લોકો અમને કહે કે તમે માતાજીનાં સોંગ્સ કેવી રીતે બનાવો છો? અમે બનાવી શકીએ છીએ, કેમ કે અમે અમારા ઘરે એ જ જોઈને મોટા થયા છીએ અને મોટા ભાગના લોકોના ઘરે એવું જ હોય છે, એટલે જ લોકોને એ ગમે છે. બસ, અમે ખાલી તેને આજની જનરેશનને ગમે એ રીતે પ્રેઝન્ટ કરીએ છીએ.’
25 હજાર લોકો એકસાથે ‘તું ભૂલો તો પડ’ ગાવા મંડ્યા ફર્સ્ટ ટાઈમ ક્યારે હિપહોપ અને ટ્રેડિશનલ સોંગને મિક્સ કરવાનો એક્સપિરિયન્સ કર્યો હતો? ક્રૂઝ કહે, ‘પહેલીવાર 2018માં મેં અને કે ડીપે એક સોંગ બનાવ્યું હતું. એમાં અમે ત્રણ-તાલીનું સોંગ બનાવ્યું હતું અને એ બહુ જ ફેમસ થઈ ગયું, જેમાં ત્રણ તાલીની બીટ પર અમે સોંગ મૂક્યું અને વચ્ચે રૅપ મ્યુઝિક મૂક્યું હતું. એ સોંગ પર ડાન્સરોને પણ એટલી મજા આવી હતી. પહેલીવાર એ લોકોને કોઈ ભક્તિના સોંગ પર ડાન્સ કરવા મળ્યો હતો, એટલે યંગસ્ટર્સમાં પણ એટલો ક્રેઝ હતો અને જબરદસ્ત વાઇરલ થયું હતું. એ પછી અમે નક્કી કરી લીધું કે આ પ્રકારનાં સોંગ્સ જ બનાવીશું. ફર્સ્ટ ટાઈમ અમે જ્યારે પબ્લિકમાં પર્ફોર્મ કર્યું ત્યારે કંઇક 800 જેટલી ઓડિયન્સ હતી. એની સામે હમણાં જ્યારે જૂનાગઢમાં પર્ફોર્મ કર્યું ત્યારે 25 હજાર લોકોથી ભરેલું ગ્રાઉન્ડ હતું.’
અઘોરી મ્યુઝિક નહીં, ‘મુજિક’ કહો આ તમારા બેન્ડના નામમાં ‘અઘોરી’ કેમ રાખ્યું છે? તમે કંઈ તંત્ર-મંત્ર કરો છો? સ્મિત વેરતાં હાર્દિક કહે, ‘ના બાબા ના! એક્ચ્યુઅલી, અમે બધા મ્યુઝિકની દુનિયાના અઘોરી છીએ. અમને મ્યુઝિક મળે એટલે બીજું કશું જ ન જોઇએ. ખાવાનું પણ ભૂલી જઇએ. હજુ હમણાંની જ વાત તમને કહું. થોડા દિવસ પહેલાં અમે ‘જ્યારે વાગે વાગે-2’ સોંગનું રેકોર્ડિંગ કતા હતા. અમે સાંજે 6 વાગ્યે સ્ટુડિયોમાં એન્ટર થયા અને છેક બીજા દિવસે સવારે 9 વાગ્યે બહાર નીકળ્યા! સતત 14 કલાક સુધી અમે ખાધા-પીધા વિના અંદર ને અંદર મ્યુઝિક બનાવતા હતા. એ પછી પણ નાનકડો બ્રેક લઈને અમે તરત જ પાછા સ્ટુડિયોમાં જતા રહ્યા હતા ને કામે વળગી ગયેલા. અમને મ્યુઝિક મળે એટલે જમવાનું કે કશું જ દેખાતું નથી. અમે સંગીતના અઘોરી છીએ. પ્લસ, અમે લોકો ભોળાનાથના ભક્ત એટલે અઘોરી નામ ફાઇનલ કર્યું.’
ગ્રેટ! અને આ તમારા બેન્ડના નામના સ્પેલિંગમાં ‘MUSIC’ની જગ્યાએ ‘MUZIK’ કેમ લખ્યું છે? હાર્દિક કહે, ‘એનાં બે કારણ છે. પહેલું તો એ કે ‘અઘોરી MUSIC’ શબ્દ ડોમેન બનાવવા માટે અવેલેબલ નહોતો, એટલે બીજું કશું રાખવું પડે એમ હતું. પ્લસ, ગુજરાતમાં લોકો મ્યુઝિકને બદલે ‘મુજિક’ વધારે બોલતા હોય છે એટલે અમે એ જ સિલેક્ટ કર્યું અને બની ગયું AGHORI MUZIK.’
‘ત્રણેય લખીએ ને ત્રણેય ગાઈએ’ તમારાં સોંગ બનવા પાછળની આખી પ્રોસેસ શું હોય છે? ક્રૂઝ એ વિશે કહે, ‘સોંગ લખીએ છીએ અમે ત્રણેય લોકો, ત્રણેય સિંગર પોતે રાઇટર છીએ જ. સોંગ લખાઇ જાય પછી હું એમાં મ્યુઝિક આપું છું. હું મ્યુઝિક કમ્પોઝર છું. સોંગ લખવાની પ્રોસેસ દર વખતે અલગ અલગ હોય છે, ક્યારેક અમારી પાસે કોઈ શબ્દ હોય તો એમાંથી અમે સોંગ બનાવીએ અથવા ઘણીવાર કોઈ બીટ અમને મળી જાય તો એ બીટ મુજબ લિરિક્સ લખીએ અને સોંગ બનાવીએ, પણ એન્ડ ઓફ ધી ડે, લોકોને ગમે એવું બનાવવાનું છે અને એ પહેલાં અમને ગમવું જોઈએ. સોંગ બની ગયા પછી અમને ત્રણેયને પર્ફેક્ટલી ગમી જાય એ પછી જ અમે એને લોન્ચ કરીએ.’
60 વર્ષના કાકા બેરિયર્સ ઉપર ચડીને નાચવા માંડ્યા હાઈએસ્ટ કેટલા ઓડિયન્સની સામે પર્ફોર્મ કર્યું હશે, હાર્ડી કહે, ‘અમે જ્યારે જૂનાગઢમાં કોન્સર્ટ કર્યો ત્યારે એકસાથે 25 હજાર લોકોને જલસો કરાવ્યો હતો. જ્યારે ‘સોરઠ’ સોંગ ચાલુ કર્યું ત્યારે તો એકસાથે આખું ગ્રાઉન્ડ અમારી સાથે ગાતું હતું. એમાં પણ એક 60-65 વર્ષના કાકા તો બેરિયર્સની ઉપર ચડીને ડાન્સ કરતા હતા.’
બાર ગાંવે મ્યુઝિક ટેસ્ટ બદલે ટાર્ગેટ ઓડિયન્સ તમે કઈ રીતે નક્કી કરો છો? મતલબ કે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર કે કચ્છ, દરેકનો સોંગ ટેસ્ટ અલગ અલગ હોય, તમે કઈ રીતે સોંગ ક્રિએટ કરો છો? ક્રૂઝ કહે, ‘એ માટે અમે વધારે સૌરાષ્ટ્રને લગતાં સોંગ જ બનાવીએ છીએ, કેમ કે અમે લોકો મૂળ સૌરાષ્ટ્રના છીએ. હવે એમાંથી સોંગ બનાવવા માટે રાજકોટના ગાંઠિયા કે ભાવનગરનું કે ગોંડલનું ફૂડ કે એ કોઈ વસ્તુ પર સોંગ નહોતાં બનાવવાં. એ બધું બધા લોકોએ કર્યું જ છે. એટલે અમે ઇતિહાસ પર બનાવવાનું ચાલુ કર્યું. ત્યાં કોણ થઈ ગયું છે? એ લોકોએ શું મહાન કામ કર્યું છે? ત્યાંની ધરતીમાં શું ખાસ છે? કોણે અધર્મ વિરુદ્ધ ધિંગાણાં કર્યાં? તમારા પૂર્વજોએ શું કર્યું છે? તમે ક્યાંથી આવો છો? એ બધું આજની જનરેશનને કહેવા અમે અમારું મ્યુઝિક બનાવીએ છીએ.’
‘માતાજીનાં સોંગ કરો છો તો એમાં આવું બધું શું એડ કરો છો?’ તમે હિપહોપ અને ફૉકને મિક્સ કરો છો તો કોઈએ ક્યારેય રોક્યા છે? ક્રૂઝ કહે, ‘ઘણી વાર કહે છે, શરૂઆતમાં પણ કહેતા અને હજુ કહે છે. અમારી જૂની હિપહોપવાળી ઓડિયન્સ હજુ કહે છે કે તમે આ કઈ લાઇનમાં આવી ગયા? આના કરતાં રૅપ મ્યુઝિક જ કરો ને. સામે હિપહોપ કરીએ તો ફૉકની ઓડિયન્સ કહે છે કે માતાજીનાં સોંગ કરો છો તો એમાં આવું બધું શું એડ કરો છો? અમે હિપહોપ અને ફૉક બંનેને મિક્સ કરીને જ ચાલીએ છીએ. અમને જે સોંગ માટે જે ગમે એ કરીએ છીએ.’
ઊભાં ઊભાં એક કલાકમાં લિરિક્સ લખીને આપી દીધાં એક સોંગ લખતાં કેટલી વાર લાગે? હાર્દિક કહે, ‘કશું નક્કી ન હોય, ડિપેન્ડ્સ ઑન સિચ્યુએશન. તમને એક સોંગની વાત કરું તો ‘ઓમ મંગલમ સિંગલમ’ ગુજરાતી ફિલ્મનો ટાઇટલ ટ્રેક અમે બનાવ્યો હતો. એ સોંગ જ્યારે સંગીતકાર સચિન-જિગરને આપવાનું હતું ત્યારે અમારી પાસે કંઈ જ લખેલું નહોતું. અમે તેમના બિલ્ડિંગની નીચે ઊભા હતા અને ઉપર જઈને સોંગ આપવાનું હતું. એ ટાઈમે અમે ત્યાં જ નીચે ઊભાં ઊભાં એક કલાકમાં જ આખું સોંગ લખ્યું અને ઉપર જઈને આપી દીધું. ઉપર ગયા ત્યાં તો એ લોકોને આ સોંગ ફુલ ગમી ગયું. કોઈ જ ચેન્જીસ નહીં અને સીધું જ કમ્પોઝ માટે જતું રહ્યું.’
‘હું તમને મારું ધડ વિનાનું માથું અર્પણ કરું છું’ લોકોને અઘોરી મ્યુઝિકનો ગાંડો ચસ્કો છે, લોકોના કોમ્પ્લિમેન્ટ યાદ કરતાં ક્રૂઝ કહે, ‘હમણાં બે દિવસ પહેલાં જ એક કમેન્ટ આવી હતી કે તમારા મ્યુઝિક બદલ હું તમને મારું ધડ વિનાનું માથું અર્પણ કરું છું. એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે ‘મને જ્યારે આત્મહત્યાનો વિચાર આવે ત્યારે હું તમારાં સોંગ્સ સાંભળું છું. અમુક તો એવું પણ કહે છે કે અમે સુસાઇડ કરવાના હતા ને આ સોંગે જ અમને બચાવ્યા છે.’
અઘોરી મ્યુઝિકના દેશી કોસ્ચ્યૂમ તમારા કોસ્ચ્યૂમ એકદમ દેશી હોય છે તો એ કોણ ડિઝાઇન કરે છે? સ્પેશિયલ કરાવો છો? આઇડિયા કોનો હોય છે? ક્રૂઝ એ વિશે કહે, ‘કોસ્ચ્યૂમ મારી બહેન હિરલ કારેલિયા (ઉર્ફ ‘હીર’) જ બનાવે છે, એ ડિઝાઇનર છે. તેમની પોતાની જ બ્રાન્ડ છે અઘોરી ફેશન. અમારે ઉપરથી લઈને નીચે સુધી શું પહેરવું, એ બધું જ હિરલ જ નક્કી કરે અને અમારી માન, મર્યાદા અને મોભો એવી પાઘડી એ અમારાં બહેન તેમના હાથેથી જ અમને દર વખતે બાંધી આપે છે.’