હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ઘટાટોપ વાદળો છવાઈ ગયા છે અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, આખા અમદાવાદમાં જાણે અંધારપટ્ટ છવાઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, સરખેજ, શિવરંજની, નવા વાડજ, ચાંદલોડિયા, બોપલ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ બફારામાંથી રાહત અનુભવી છે.

આ વિસ્તારોમાં અડધો ઈંચ વરસાદ પડ્યો શહેરમાં સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સરખેજ, જુહાપુરા, વેજલપુર, પ્રહલાદનગર, એસજી હાઇવે, વાસણા, પાલડી, મકરબા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આશ્રમરોડ, જોધપુર, શ્યામલ, આનંદનગર, શિવરંજીની, મકતમપુરા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, ગીતામંદિર, મણીનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

જ્યારે નરોડા, મેમકો, સૈજપુર, વટવા, નિકોલ, રામોલ, ચાંદખેડા, ગોતા, ચાંદલોડિયા, સાબરમતી, શાહપુર, દિલ્હી દરવાજા, શાહીબાગ, રાણીપ, ન્યુ રાણીપ, જગતપુર, કોતરપુર, સરદારનગર, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે. સવારથી પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વધુ જોવા મળ્યો છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારા જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સવારે ઓફિસે જતા લોકોને રેઇનકોટ પહેરીને ઓફિસ જવું પડ્યું હતું. આજે અમદાવાદમાં સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી છે.

છેલ્લા બે દિવસથી શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. જેને કારણે એક જ દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાન 5 ડિગ્રી ઘટ્યું છે. ગુરુવારે બપોરે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ઠંડો પવન ફૂંકાવાની સાથે ઝાપટું પડ્યું હતું. બોપલ, નરોડા, મણિનગરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. બુધવારે ઝાપટાં પડ્યા પછી ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 2.4 ડિગ્રી ગગડીને 34.2 અને લઘુતમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 25.2 ડિગ્રી નોંધાયું હતું. હજુ એક દિવસ ઝાપટા પડશે. શુક્ર અને શનિવારે શહેરમાં ઝાપટાંથી માંડી હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.