શહેરામાં પવન સાથે આવેલા વરસાદના કારણે અમુક ખેડૂતોની અનેક આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોનો ખેતરમાં રહેલ ડાંગરનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ઓગષ્ટ માસમાં પડેલા ભારે વરસાદના કારણે મકાઈના પાકને નુકશાન થયું હતું. ત્યારે હવે આ ડાંગરના પાકને પણ પવન સાથે આવેલા વરસાદના કારણે નુકશાન જવાની શક્યતાને પગલે ખેડૂતોની ચહેરા પરની રોનક છીનવાઈ ગઈ હતી.
વરસાદના કારણે તાલુકાના ઘણા બધા ખેડૂતોને ડાંગર સહિતના અન્ય પાકમાં નુકશાન થઈ શકે એવી સંભાવનાઓ છે. જેથી રાજ્ય સરકાર ખેડૂતો માટે સહાયની જાહેરાત કરે એવી ખેડૂતો એવી આશા રાખી રહ્યા છે. ખેતીવાડી વિભાગ દ્વારા આ બાબતને ધ્યાનમાં લઈને પાક નુકશાનીને લઈને સર્વે હાથ ધરે અને ન્યાયોચિત વળતર મળે એવી આશા સેવી રહ્યા છે. ખેતરમાં રહેલ ડાંગરનો પાક જમીનદોસ્ત થયેલ ખેડૂતને જોવા મળતા ખેડૂતને પોતાની મહેનત કરેલી માથે પડી હોય એવો અહેસાસ કરી રહ્યા છે.