અમદાવાદના દાણીલીમડા પોલીસ મથકે વર્ષ 2018માં એક આરોપી સામે IPCની કલમ 363, 366, 372(2)(I)(N) અને પોક્સો એક્ટની કલમ 5(L)(N), 6, 9L તેમજ 10 મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે આરોપી સામે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલ પોક્સોની વિશેષ અદાલતમાં ટ્રાયલ ચાલતા જજ એ.બી. ભટ્ટે સરકારી વકીલ કમલેશ જી. જૈન અને દિલીપસિંહ એમ. ઠાકોરની દલીલોને ધ્યાને રાખીને આરોપીને 20 વર્ષ સખત કેદની સજા અને પીડિતાને 7 લાખ રૂપિયાનું સરકારી વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં 13 સાહેદો અને 15 દસ્તાવેજી પૂરાવા ચકાસવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે, પીડિતા તેની દીકરી જેવી હતી, રક્ષક જ ભક્ષક બન્યો છે.
માતા દવાખાને ગઈ ને પાછળથી દીકરીને આરોપી લઈ ગયો
ફરિયાદી એક વિધવા મહિલા હતી. જેને કુલ ચાર દીકરા અને ત્રણ દીકરીઓ હતી. જેમાં સૌથી નાની દીકરીની ઉંમર 13 વર્ષ અને 07 મહિનાની હતી. જ્યારે આરોપી ફરિયાદીને કૌટુંબિક નણદોઈ અને ભોગ બનાનારનો કૌટુંબિક ફુવા થતો હતો. તે મૂળ બાલાસિનોરનો હતો. તે અવારનવાર ફરિયાદીના ઘરે આવતો અને રોકાતો હતો. એક દિવસે ફરિયાદીની માતા દવાખાને જઈને પરત ફરી ત્યારે સૌથી નાની દીકરી ઘરે હાજર નહોતી અને નણદોઈ પણ ઘરે નહોતો.
આરોપીની પત્ની ગુજરી ચૂકી હતી
નણદોઈને ફોન કરતા યોગ્ય જવાબ આપ્યો નહોતો. જ્યારે ભોગ બનનારના ભાઈને તેના મિત્રે જણાવ્યું હતું કે, તેની બહેન અને ફુવાને એક સાથે રિક્ષામાં જતા જોયા હતા. ફરીથી આરોપીને ફોન કરતાં તેને સગીરા પોતાની પાસે હોવાની પહેલા ના પાડી હતી તો બાદમાં પોતે બંને મરજીથી બહાર ગયા હોવાનું કહ્યું હતું. તેને ઘરે પરત આવવાની ના પાડતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપીની પત્ની ગુજરી ચૂકી હતી, જ્યારે એક 04 વર્ષ નાની દીકરી પણ હતી. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. તેમજ સગીરા અને આરોપીનું નિવેદન નોધ્યું હતું. સગીરા અને આરોપીની મેડિકલ તપાસ કરવામાં આવી હતી.
અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા
આરોપીના વકીલનું કહેવું હતું કે, આરોપી ફરિયાદીના ઘરે આવતો હોવાથી ફરિયાદીને ગમતું ન હોવાથી આ ખોટી ફરિયાદ કરાઈ છે. ફરિયાદીઓ ભોગ બનનારની ઉંમરની માન્ય પૂરાવો રજૂ કરી શક્યા નથી. જો કે, પીડિતા સગીરાનો ઓસિફિકેશન ટેસ્ટ કરાતા તેની ઉંમર 14 થી 16 વર્ષ વચ્ચેની માલૂમ પડી હતી. આરોપી પીડિતાને તેની માતાને મળવા લઈ જવાનું કહીને નડિયાદ, વડોદરા, ગોધરા, મુંબઈ વગેરે જગ્યાએ લઈ જઈને લગ્ન કરવાનું કહીને અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. કોર્ટે આરોપીને સજા ફટકારતાં નોધ્યું હતું કે, આરોપી માટે પીડિતા તેની દીકરી જેવી હતી, રક્ષક જ ભક્ષક બન્યો છે. આરોપીને ઓછી સજા કરી શકાય નહીં.