હાલોલ પાલિકામાં વિકાસના કામોમાં ગેરરીતિઓની તપાસ:પાલિકાઓની ચૂંટણી પહેલાં બે પૂર્વ પ્રમુખો પાસે ₹3.68 કરોડથી વધુની વસુલાતના હુકમે રાજકીય ઉત્તેજના વધારી

નગર પાલિકાઓની ચૂંટણીઓના પડઘમ ગમે ત્યારે વાગે તે સ્થિતિમાં હાલોલ નગરપાલિકાના સત્તાધારી ભાજપના ભૂતકાળના શાસન દરમિયાન કરવામાં આવેલા વિકાસના કામોમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાથી વડોદરા પ્રાદેશિક કમિશનરે હાલોલ પાલિકાના જે તે સમયના સદસ્યો પાસેથી નાણાકીય વસુલાતો માટે કાયદેસર કાર્યવાહી કરી સુનાવણીઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરા પ્રાદેશિક કમિશનરે હાલોલ તાલુકાના સત્તાધારી ભાજપના બે પૂર્વ પ્રમુખો પાસેથી જ નાણાકીય વસુલાતોના આદેશ આપીને અન્ય સદસ્યોને ક્લીન ચીટ આપી હોવાની ઉત્તેજના સભર શરૂ થયેલી ચર્ચાઓના પગલે રાજકીય માહોલ ગરમાયો છે.

હાલોલ નગરપાલિકાના છેલ્લા કારોબારી અધ્યક્ષને હાલોલ નગરપાલિકાના ભૂતકાળના સત્તાધીશોએ નાણાકીય વર્ષ 2016-17થી 2019-20 દરમિયાન વિકાસના કામોમાં ગેરરીતિઓ કરવામાં આવી હોવાનું ધ્યાને આવતા કરોડો રૂપિયાના કામોના ખર્ચા સૈદ્ધાંતિક રીતે કરવામાં આવ્યા ન હોવાથી તમામ સદસ્યો સામે વસુલાત કારવામાં આવે તેવી રજૂઆત બાદ પ્રાદેશિક કમિશ્નર કચેરી દ્વારા શરૂ થયેલા તપાસના ધમધમાટમાં હાલોલનું રાજકારણ ગરમાયુ હતું અને તત્કાલીન 36 જેટલા સદસ્યો પૈકી હયાત સદસ્યોને નોટિસો પાઠવી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

પ્રાદેશિક કમિશનર કચેરી વડોદરા દ્વારા તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અંતે સમગ્ર કેસની હકીકતો અને હાલોલ પાલિકા કચેરીનો ઉપલબ્ધ રેકર્ડ જોતા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 હેઠળ મળેલી સત્તાનો દૂર ઉપયોગ કરી યોગ્ય તાંત્રિક કે વહીવટી મંજૂરી વગર કે સૈદ્ધાંતિક રીતે ટેન્ડર પ્રક્રિયાને અનુસર્યા વગર કરવામાં આવેલા વિકાસના કામો માટે બે પૂર્વ પ્રમુખો સુભાષ પરમાર અને શીતલ ભાઈલાલભાઈ પટેલ દ્વારા હાલોલ નગરપાલિકાને 03 કરોડ 68 લાખ 72 હજાર 692 રૂપિયાનું આર્થિક નુકશાન પહોચાડ્યું હોવાથી આ બંને પૂર્વ પ્રમુખો સામે નાણાકીય વસુલાતના હુકમે અન્ય સભ્યોને ક્લીન ચિટ આપતા હાલોલ પાલિકાની ચૂંટણી પહેલા કરવામાં આવેલા આ હુકમે રાજકીય ઉત્તેજના વધારી છે.

હુકમમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 70 હેઠળ મળેલી સત્તાની રૂએ નગરપાલિકાને થયેલ નુકસાન માટે તત્કાલીન પ્રમુખ સુભાષ પરમાર પાસે 02 કરોડ 78 લાખ 54 હજાર 218 રૂપિયા અને શીતલ પટેલ પાસે 90 લાખ 18 હજાર 474 રૂપિયાની ગુજરાત નગરપાલિકા અધિનિયમ 70/2 અન્વયે વસૂલાત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જો નિયત મુદતમાં આ રકમ સરકારમાં જમા કરાવવામાં નહીં આવે તો જમીન મહેસુલની બાકી તરીકે વસૂલ કરવા પગલાં લેવામાં આવે તેવી ચીફ ઓફિસર હાલોલ નગરપાલિકાને સૂચના આપવામાં આવી છે.