મારી ત્રણ પેઢીઓએ ક્યારેય કૃષિ વીજળીનું બિલ ચૂકવ્યું નથી, કેન્દ્રીય મંત્રી

કેન્દ્રીય મંત્રી અને શિવસેનાના નેતા પ્રતાપરાવ જાધવે દાવો કર્યો હતો કે તેમણે અને તેમની ત્રણ પેઢીઓએ ક્યારેય કૃષિ વીજ બિલ ચૂકવ્યા નથી. આયુષ અને આરોગ્ય પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીએ કહૃાું કે હું એક ખેડૂત છું. અમે છેલ્લી ત્રણ પેઢીથી બિલ ચૂકવ્યા નથી. મારા દાદાના પાણીના પંપ હજુ પણ છે. તેણે કહૃાું કે મારા દાદા, મારા પિતા કે મેં કૃષિ વીજળીનું બિલ ભર્યું નથી. તેમણે કૃષિ વીજળી બિલ માફી યોજના પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું હતું, જે એકનાથ શિંદે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મુખ્ય પહેલોમાંની એક છે.

આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહૃાું કે જેમ બે સમાન વિચારધારાવાળા બળદ ખેતરમાં જોડાય છે ત્યારે ખેતર સારું બને છે તેવી જ રીતે સરકાર પણ સારી બને છે. વિકાસ ત્યારે થાય છે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિચારસરણી સમાન હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક સાંસદ અને દરેક વિભાગ પર ચાંપતી નજર રાખી રહૃાા છે. આમ છતાં મંત્રી બન્યા બાદ અમારો સામાન્ય માણસ સાથેનો સંપર્ક ઓછો થઈ રહૃાો છે.

મળતી માહિતી મુજબ, હાલમાં રાજ્યમાં ૪૬ લાખથી વધુ કૃષિ પંપ છે અને સરકાર ૭.૫ એચપી સુધીના કૃષિ પંપને મફત વીજળી આપશે. બજેટમાં જાહેરાત કરતી વખતે અજિત પવારે કહૃાું હતું કે આ નિર્ણયથી ૪૪ લાખ છ હજાર ખેડૂતોને ફાયદો થશે. હાલમાં, કૃષિ ગ્રાહકોને યુનિટ દીઠ આશરે રૂ. ૧.૫ના દરે બિલ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં દર વર્ષે લગભગ છ હજાર કરોડ રૂપિયાના બિલ મોકલવામાં આવે છે, જેમાંથી માત્ર પાંચ ટકા એટલે કે ૨૮૦-૩૦૦ કરોડ રૂપિયા સુધીના બિલ મળે છે. થોડા સમય પહેલા તે ૮-૧૦ ટકા સુધી પહોંચી ગયો હતો, તેથી હાલમાં કૃષિ પંપના ૯૫ ટકા બિલ વસૂલવામાં આવતા નથી અને વીજળી મફત આપવામાં આવી રહી છે.