અમદાવાદમાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની બોપલ રેલવે ગરનાળા પાસે આવેલી નીલકંઠ સોસાયટીમાં હોસ્ટેલ આવેલી છે. જ્યાં રહેતા ઇન્ટનરનેશનલ ડાયરેક્ટર મૃદંગ દવેએ એક વિદેશી યુવતીની છેડતી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર દ્વારા છેલ્લાં ઘણા સમયથી વિદ્યાર્થિનીઓને પરેશાન કરવામાં આવતી હતી. આ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
વિદ્યાર્થિની ડરી જતા વડોદરા પરિચિતને ત્યાં જતી રહી હતી
અમદાવાદ ગ્રામ્યના એસપી મેગા તેવારે જણાવ્યું હતું કે, બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દક્ષિણ આફ્રિકાના એક બહેન ભાડે રહે છે. તે ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેમની સાથે છેડતીની ઘટના 11 સપ્ટમ્બરે બની હતી. તેઓ ડરી જતા વડોદરામાં તેના પરિચિત પાસે રહેવા જતા રહ્યા હતા. 22 સપ્ટેમ્બરે તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને તેની છેડતી અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના અનુસંધાને આરોપી મૃદંગ દવે છે તે પણ ઇન્ડસ યુનિવર્સિટીમાં જ રહે છે. તે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે એટલે કે વિદેશી વિદ્યાર્થીઓને અહીંની ભાષા ન આવડતી હોય એટલે મદદરૂપ થતો હતો. ભોગ બનનાર ક્લિનિકલ રિસર્ચ તરીકેનો અભ્યાસ કરે છે.
વિદ્યાર્થીઓની મદદ માટે આરોપીને રખાયો હતો
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે, દક્ષિણ આફ્રિકાની એક 21 વર્ષીય યુવતી રાંચરડામાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ યુવતી અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ બોપલ રેલવે ગરનાળા પાસે આવેલી નીલકંઠ સોસાયટીમાં હોસ્ટેલ રાખી છે. આ વિદ્યાર્થીઓની મદદ માટે યુનિવર્સિટીએ મુદંગ દવેની ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી હતી. મુદંગ દવે આ હોસ્ટેલમાં રહેતો હતો.
આરોપીએ હોસ્ટેલમાં યુવતીને પકડીને છેડતી કરી
ગત 11મી સપ્ટેમ્બરના રોજ સાંજના સાડા છ વાગે ભોગ બનનાર વિદ્યાર્થિની હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર જમવાનું લેવા માટે ગઈ હતી. ત્યારે મુદંગ દવેએ તેને પકડીને છેડતી કરી હતી. જેથી તે યુવતી ડરીને તેની રૂમ તરફ દોડી ગઈ હતી. ત્યારે પણ મુદંગ દવે તેની પાછળ આવીને ફરીથી શારીરિક છેડતી કરી હતી. જો કે, યુવતી તેના રૂમમાં જતી રહી હતી. બીજા દિવસે મુદંગ દવેએ યુવતીને સાંજની ઘટના સંદર્ભમાં ધમકી આપી હતી કે, જો તે આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખશે. જેથી યુવતી ગભરાઇ ગઈ હતી અને તે પછી પણ મુદંગ દવે તેના પર ગંદી નજર કરતો હતો.
યુવતીએ પરિવારને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવી
આ બાબતે યુવતીએ તેના ભાઇને ફોન કરીને જાણ કર્યા બાદ સમગ્ર બાબતે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર મુદંગ દવેએ અન્ય એક યુવતીની છેડતીનો પ્રયાસ કર્યો હતો. આ અંગે બોપલ પોલીસે છેડતી અને ધમકી આપ્યાનો ગુનો નોંધીને મૃદંગ દવેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.