દરેક ગુજરાતીના દિલો દિમાગમાં ભાજપ માટે ભરોસો છે-પીએમ મોદી

હિંમતનગર,

ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર મતદાન થયું છે. આ દરમ્યાન પીએમ મોદી બીજા તબક્કામાં મતદાન થનારા વિસ્તારમાં પ્રચાર શરૂ કરી દીધો છે. જેમાં તેમણે હિંમતનગરમાં રેલીને સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાતના લોકના દિલ દિમાગમાં ભાજપ માટે એક ભરોસો છે. જ્યાં ભરોસો હોય ત્યાં ક્યારેય આશિર્વાદમાં ખોટ ન પડે. અને ગુજરાતે ક્યારેય આશિર્વાદ આપવામાં ખોટ રાખી નથી. ૮ વર્ષ થયા તમે મને દિલ્હી મોકલ્યો અને તમે મને એક મિનિટ પણ છોડ્યો નથી. તમારો આ પ્રેમ, આશિર્વાદ મને નિત્ય નવી તાકાત આપે છે, નવી ઉર્જા આપે છે. સમસ્યાઓના સમાધાન શોધવામાં મદદરૂપ થાય છે.

વડાપ્રધાને જણાવ્યુ કે ૮૦ કરોડ લોકોને કોરોનાના ત્રણ વર્ષ દરમિયાન મફત અનાજ આપવાની વ્યવસ્થા કરી. ગરીબોના નામે પહેલાના જમાનામાં અનાજ આવતુ તો રસ્તામાં જ ભ્રષ્ટાચારીઓ ચાંઉ કરી જતા. આજે ટ્રકનો નંબરથી લઈને બધુ ટ્રેકિંગ થાય. આ બધા ગોરખધંધા બંધ થઈ ગયા એટલે બધાને મારી સાથે વાંકુ પડે છે. ૨૦ કરોડ ફર્જી રાશન કાર્ડ રદ કર્યા છે. ભાજપ સરકારે રાશન કાર્ડને આધારકાર્ડ સાથે જોડ્યા. સાચા માણસને જે એના હક્કનું મળવુુ જોઈએ. તેના માટેના પ્રયાસો કર્યા. કોંગ્રેસના શાસનમાં ૪ કરોડ ભૂતિયા રાશન કાર્ડ હતા, તે બધા બંધ કર્યા.