ઈરાન-દુબઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૫.૮ મપાઇ

દુબઇ,

ઈરાન અને દુબઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૮ માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ ઈરાન હોવાનું કહેવાય છે. જેના કારણે દુબઈના અબુધાબીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુબઈ, અબુ ધાબી અને ઉત્તરી અમીરાતના રહેવાસીઓએ ૨૦ સેકન્ડ સુધી હળવા આંચકા અનુભવ્યા. મળતી માહિતી મુજબ આ ભૂકંપ બુધવારે સાંજે ૭.૧૭ કલાકે આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુક્સાનના કોઈ સમાચાર નથી. આ સાથે જ મહારાષ્ટ્રમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં ૨.૭ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. એક અધિકારીએ બુધવારે આ જાણકારી આપી.

શાહપુર તહસીલદાર નીલિમા સૂર્યવંશીએ જણાવ્યું કે મંગળવારે સાંજે ૫.૪૬ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે ભાતસા ડેમથી ૨૪ કિમી દક્ષિણ-પૂર્વમાં નોંધાયું હતું, તેનું કેન્દ્ર સોગાંવ ગામમાં હતું, તેમણે જણાવ્યું હતું.

અગાઉ, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવારે રાત્રે દિલ્હીમાં હળવી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાત્રે ૯.૩૦ કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા ૨.૫ હતી. તેનું કેન્દ્ર નવી દિલ્હીથી આઠ કિલોમીટર પશ્ર્ચિમમાં હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર, છેલ્લા ૧૦ દિવસમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ ભારતમાં આ આઠમો ભૂકંપ હતો. જોકે રિક્ટર સ્કેલ પર આ તીવ્રતાનો ભૂકંપ બહુ ખતરનાક માનવામાં આવતો નથી.

નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી વિશ્ર્વભરમાં અનેક ઠેકાણે ભૂકંપના આંચકા નોંધાઇ રહ્યા છે. તેમાં પણ ભારત-ચીન-નેપાળ-અફઘાનિસ્તાન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં ભૂકંપના નાના-નાના આંચકા લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ગગનચૂંબી ઇમારતો ધરાવતા શહેરીજનો ભૂકંપથી ભયભીત બની રહ્યા છે.