છત્તીસગઢના સુકમામાં રવિવારે એક ચોંકાવનારી ઘટનામાં કાળા-જાદુ કરવાની શંકામાં એક પરિવારના ત્રણ મહિલા સહિત પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં સુકમા જિલ્લા પોલીસ વડા કિરણ જી ચવ્હાણના કહેવા મુજબ, પાંચ કથિત આરોપીઓએ આત્મસમર્પણ કર્યું છે અને પછી પોલીસે તેમની કાયદેસરની ધરપકડ કરી હતી. આ મામલામાં તમામ આરોપીઓની ધરપકડ કરાશે.
આ મામલામાં કોઇ પણ નક્સલવાદીઓની સંડોવણી હોવાનો પોલીસ વડાએ ઈનકાર કર્યો છે. જિલ્લા પોલીસ વડાએ વધુમાં કહ્યું કે, આ મામલામાં પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. પોલીસ એ બાબતની તપાસ કરી રહી છે કે શું પરિવાર પર કાળો જાદુ કે મેલીવિદ્યા કરવાના આરોપોને લઈને કોઇ વિવાદ થયો હતો.
કોંટાના એતકલ ગામના લોકોનો આક્ષેપ છે કે, પરિવાર મેલીવિદ્યા કરી રહ્યો હતો અને તેમનું માનવું હતું કે તેનાથી બાળકોમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થતી હતી અને લોકોને વ્યક્તિગત નુક્સાન થતું હતું. ગામના બાળકોની બીમારી અને તેમના વ્યક્તિગત નુક્સાન માટે આ પરિવાર જવાબદાર હોવાનું માનવામાં આવતું હતું.જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે, કેટલાક રહેવાસીઓને કથિત રીતે વ્યક્તિગત નુક્સાનનો સામનો કરવો પડ્યો હતો અને તેમને શંકા હતી કે પરિવાર તેમના પર કાળોજાદુ કરી રહ્યો છે. જિલ્લા પોલીસ વડાએ વ્યક્તિગત રીતે ઘટનાસ્થળની મુલાકાત લઈને જાણકારી મેળવી હતી. આરોપીઓએ હુમલા માટે લાકડી અને કુહાડીનો ઉપયોગ કર્યો હતો. હુમલો પીડિતોના ઘરની અંદર કરવામાં આવ્યો હતો. રવિવારે કેટલાક ગ્રામજનો પરિવારના ઘરમાં ઘુસ્યા અને એક-એક કરીને તમામ સભ્યો પર હુમલો કર્યો હતો. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી, અને ત્યાર પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.