સૌરભ ભારદ્વાજે અરવિંદ કેજરીવાલ ની તુલના ’શ્રી રામ’ સાથે કરી

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા છે. જો કે, જેલમાંથી બહાર આવતાની સાથે જ કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. હવે આપ નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે સોમવારે આ સમગ્ર મામલાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. પોતાના સંબોધનમાં સૌરભ ભારદ્વાજે અરવિંદ કેજરીવાલની તુલના ભગવાન શ્રી રામ સાથે કરી છે. તેમણે કહ્યું કે ગઈ કાલે દિલ્હીમાં જે કંઈ થયું તેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે.

સૌરભ ભારદ્વાજે કહ્યું કે દિલ્હીના દરેક ખૂણામાં આવું થઈ રહ્યું છે. એક સીએમ રાજીનામું આપીને કહે છે કે દિલ્હીની જનતા મારી ઈમાનદારીને મત આપે. આજ સુધી આવું બન્યું નથી. તે પણ ત્યારે જ્યારે કેન્દ્ર સરકારે તમામ એજન્સીઓને તૈનાત કરી દીધી હતી. દિલ્હીના લોકોમાં એવી ઉત્સુક્તા છે કે તેઓ ઈચ્છે છે કે આવતીકાલે જ ચૂંટણી થાય અને પછી અરવિંદ જીને મુખ્યમંત્રી બનાવવામાં આવે.

સૌરભ ભારદ્વાજે કહ્યું કે ઘણા લોકો કહે છે કે સત્યયુગમાં એવું સાંભળવામાં આવ્યું હતું કે રામ મર્યાદાના નામે ૧૪ વર્ષ સુધી વનવાસ પર ગયા હતા. આજે કેજરીવાલે એવું જ કર્યું છે. તે ભગવાન નથી. પરંતુ સત્યયુગ પછી આવું પહેલીવાર બન્યું છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે. રાજીનામું સ્વીકારાયા બાદ ધારાસભ્યોની બેઠક મળશે જેમાં નેતાઓની પસંદગી કરવામાં આવશે. અને તેઓ ફરીથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર સહિતની તમામ એજન્સીઓ, પછી તે ઈડી,સીબીઆઇ, ઈક્ધમટેક્સ હોય, તમામ મુખ્ય પ્રધાનની પાછળ છે અને તેમને બદનામ કરવાના પ્રયાસો છોડવામાં આવ્યા નથી. સૌરભે કહ્યું કે આટલું બધું હોવા છતાં પણ મુખ્યમંત્રીને હજુ પણ તેમની જનતા અને તેમની પ્રામાણિક્તામાં વિશ્ર્વાસ છે. તેમણે કહ્યું કે દિલ્હીના લોકો ખૂબ જ ઉત્સુક છે કે ચૂંટણી યોજાય અને તેઓ વોટ કરીને અરવિંદ કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવશે.