મુંબઇ,
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ઈડી વચ્ચે હાલ બારમે ચંદ્રમા ચાલી રહ્યો છે. એકબાજુ ૨૦૦ કરોડ ખંડણી કેસમાં જેક્લિન ફર્નાન્ડિસની પણ અનેક વાર પૂછપરછ કરવામાં આવે છે, આ બાદ નોરાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તો હાલમાં જ સમાચાર આવી રહ્યા છે કે તેલુગુ ફિલ્મોના સુપર સ્ટાર વિજય દેવરાકોંડાની ઈડીએ મંગળવારે ૯ કલાક સુધી પૂછપરછ કરી હતી. દેવરાકોંડા સવારે લગભગ ૮ વાગ્યે ઈડી ઓફિસ પહોંચ્યો હતો. ઈડીએ દેવરાકોંડાની ફિલ્મ ’લાઇગર’માં વિદેશી ફંડિંગ મામલે પૂછપરછ કરી હતી.ઈડી ઓફિસની બહાર નીકળ્યા બાદ વિજયે કહ્યું હતું કે, ‘લોકપ્રિયતા મેળવવાની કેટલીક આડઅસર અને સમસ્યાઓ પણ હોય છે. મને એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યો હતો અને મેં અમારી ફરજ નિભાવી છે, ઈડી મને બીજી વાર નહીં બોલાવે.’
૧૭ નવેમ્બરે ફિલ્મના નિર્માતા ચાર્મી કૌર અને નિર્દેશક પુરી જગન્નાધની પણ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘન બદલ પૂછપરછ કરવામાં આવી હતી. એક વાત તો છે કે, દેવરાકોંડાએ ’લાઇગર’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ એક તમિળ ફિલ્મની રિમેક છે. તો બીજી તરફ હિન્દીમાં બનેલી આ ફિલ્મનું બજેટ લગભગ ૧૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
કોંગ્રેસના નેતા બેકા જડસને ફરિયાદ નોંધાવી હતી. તેણે દાવો કર્યો છે કે કેટલાક રાજનેતાઓએ પણ આ ફિલ્મમાં પૈસા લગાવ્યા હતા. આ ફિલ્મમાં રોકાણ કરીને કાળું નાણું સરળતાથી વ્હાઇટમાં ફેરવવામાં આવ્યું છે.ઈડીને શંકા છે કે ઘણી કંપનીઓએ પણ ફિલ્મ મેર્ક્સના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. હવે નિર્માતાઓ પાસેથી ફિલ્મમાં રોકાણ કરનારાઓની પેમેન્ટ ડિટેલ માગવામાં આવી છે. આ સાથે નાણાંનો ખર્ચ કેવી રીતે કરવામાં આવ્યો તેની પણ માહિતી માગવામાં આવી છે.
પુરી જગન્નાથના નિર્દેશનમાં બનેલી ’લાઇગર’ ૨૫ ઓગસ્ટ રિલીઝ થઇ હતી. ફિલ્મમાં વિજય દેવરાકોંડા, અનન્યા પાંડે અને રામ્યા કૃષ્ણન લીડ રોલમાં હતા. ઇન્ટરનેશનલ ફાઇટર માઇક ટાયસને પણ ફિલ્મમાં કેમિયો રોલ કર્યો હતો. ’લાઇગર’ માતા-પુત્રની વાર્તા દર્શાવે છે, જેમાં ચા વેચતી મહિલા તેમના દીકરાને ફાઈટર બનાવવા ઈચ્છે છે.