મેરઠમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા ૭ લોકોના મોત, ચારની હાલત ગંભીર

ઉત્તર પ્રદેશના મેરઠમાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું છે. જ્યારે મકાન ધરાશાયી થયું ત્યારે અંદર ઘણા લોકો હાજર હતા. કાલે સાંજે ઘટેલી ઘટનામાં રેસ્ક્યુ કામગીરી ચાલી રહી હોવા છતાં હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. દુર્ઘટના અંગે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરાતાં જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

હાલ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી છે. સ્થાનિક લોકો પણ બચાવ ટુકડીઓ સાથે લોકોને બહાર કાઢવામાં લાગ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, સાંજે સાડા આઠ વાગ્યા સુધીમાં ૪ લોકોને બચાવી લેવાયા હતા. જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે અને તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ૭ લોકોના મોત થયા છે.મળતી માહિતી મુજબ, મેરઠના લોહિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારની ઝાકિર કોલોનીમાં આ મકાન ધરાશાયી થયું છે. એવી આશંકા વ્યક્ત કરાઈ હતી કે ઘરની અંદર ૧૦ થી વધુ લોકો હતા. કમિશનર સેલ્વા કુમારી જે. એ જણાવ્યું કે ઘરના કાટમાળ નીચે દટાયેલા એક જ પરિવારના લગભગ ૮ થી ૧૦ લોકો હતા.

જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તેના પરિવારના સભ્યો અન્ય જગ્યાએ હતા જેના કારણે તે બચી ગયા છે. તેમણે જ ઘટના અંગે વહીવટીતંત્રને જાણ કરી કે તેમના પરિવારના બાકીના સભ્યો કાટમાળ નીચે દટાઈ ગયા છે. ફાયર ફાયટર અને પોલીસે ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ કરી છે. એસડીઆરએફ અને એનડીઆરએફ પણ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂની કામગીરી કરી રહી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મેરઠમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઘર સાંકડી ગલીમાં આવેલું છે જેના કારણે બચાવ કાર્ય ઝડપી નથી થઈ રહ્યું. એડીજી ડીકે ઠાકુર, કમિશનર સેલવા કુમારી, આઈજી એસએસપી અને અન્ય વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ૫ મહિલાઓ અને ૫-૬ બાળકો કાટમાળ નીચે દટાયા હોવાની માહિતી મળી રહી છે.