હું બે દિવસ પછી દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીશ : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. શુક્રવારે કેજરીવાલ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. શનિવારે કેજરીવાલ તેમની પત્ની સાથે હનુમાન મંદિર પહોંચ્યા અને પૂજા કરી અને બજરંગબલીના આશીર્વાદ લીધા. જે બાદ કેજરીવાલ આજે આપ ઓફિસ પહોંચ્યા છે. અહીં મુખ્યમંત્રીએ આપ કાર્યર્ક્તાઓને સંબોધિત કર્યા. આ દરમિયાન કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું કે તેઓ બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપી દેશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભગવાનનો આપણા બધા પર ઘણો આશીર્વાદ છે. તેથી જ આપણે મોટી સમસ્યાઓ સામે લડીએ છીએ અને વિજયી બનીએ છીએ. આ સાથે હું લાખો લોકોનો આભાર માનું છું જેમણે અમારા સાથીઓ માટે પ્રાર્થના કરી. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ લોકો જેલમાં મોકલીને આમ આદમી પાર્ટીને તોડવા માગે છે. જેલમાં રહીને મારું મનોબળ વયું છે. જેલમાંથી એલજીને પત્ર લખ્યો હતો. જ્યારે મેં એલજીને પત્ર લખ્યો ત્યારે મને ધમકી આપવામાં આવી હતી. પરિવારને મળવાનું બંધ કરી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, ’હું બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. જ્યાં સુધી જનતા ચુકાદો નહીં આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં. તેમણે કહ્યું કે હું અને મનીષ સિસોદિયા જનતાની વચ્ચે જઈશું. દિલ્હી વિધાનસભા ભંગ કરવામાં આવશે નહીં. મારી જગ્યાએ બીજા કોઈ સીએમ હશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું, ’તેઓએ (ભાજપ) બીજી એક નવી ફોર્મ્યુલા બનાવી છે જ્યાં તેઓ ચૂંટણી હારે, ત્યાંના મુખ્ય પ્રધાનને ખોટો કેસ દાખલ કરીને ધરપકડ કરો અને તેમની સરકારને ગબડી નાખો. તેઓએ સિદ્ધારમૈયા, પિનરાઈ વિજયન, મમતા દીદી વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે. તેઓ એક વિપક્ષી મુખ્યમંત્રીને પણ છોડતા નથી, તેઓ દરેક સામે ખોટા કેસ કરે છે, જેલમાં નાખે છે અને સરકારને ઉથલાવી નાખે છે.

સીએમએ કહ્યું કે હું હાથ જોડીને દેશના તમામ બિન-ભાજપી મુખ્યમંત્રીઓને વિનંતી કરવા માંગુ છું, હવે જો વડાપ્રધાન તમને ખોટો કેસ કરીને જેલમાં ધકેલી દે તો રાજીનામું ના આપો. કોઈપણ સંજોગોમાં રાજીનામું ન આપો, જેલમાંથી સરકાર ચલાવો. એવું નથી કે આપણે પદના લોભી છીએ, કારણ કે આપણું બંધારણ આપણા માટે મહત્વપૂર્ણ છે અને લોકશાહીને બચાવવી મહત્વપૂર્ણ છે. આટલી મોટી બહુમતીથી ચૂંટાયેલી સરકારને તમે જેલમાં પુરી દેશો અને રાજીનામું આપવાનું કહેશો.
અરવિંદ કેજરીવાલે કહ્યું, ’કેટલાક લોકો કહે છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે અમે કામ કરી શકીશું નહીં. તેમણે પણ અમારા પર નિયંત્રણો લાદવામાં કોઈ ક્સર છોડી નથી. જો તમને લાગે કે હું પ્રામાણિક છું, તો મને મોટી સંખ્યામાં મત આપો. હું ચૂંટાયા પછી જ મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ. ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાની છે. હું માંગ કરું છું કે નવેમ્બરમાં મહારાષ્ટ્રની ચૂંટણીની સાથે ચૂંટણી યોજવામાં આવે. જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી પાર્ટીમાંથી કોઈ અન્ય વ્યક્તિ મુખ્યમંત્રી રહેશે. આગામી ૨-૩ દિવસમાં ધારાસભ્યોની બેઠક મળશે, જેમાં આગામી મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવશે.

દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું, ’ભાજપ એક ચૂંટાયેલા મુખ્ય પ્રધાન અને તેમની ટીમને જેલમાં ધકેલી દેવા અને તેમની આખી પાર્ટીને ખતમ કરવાનું દેશનું સૌથી મોટું રાજકીય કાવતરું ઘડી રહ્યું હતું. જો તમે સત્યના માર્ગ પર ચાલી રહ્યા છો તો તમે ભગવાનના માર્ગ પર ચાલી રહ્યા છો. જ્યારે તમે ભગવાનના માર્ગ પર ચાલતા હોવ ત્યારે ભગવાનની શક્તિ તમારી સાથે હોય છે. આજે ભગવાનની શક્તિ આપણા બધાની સાથે છે. બીજેપીના લોકોએ લિકર સ્કેમ નામની રસપ્રદ વાર્તા લખી હતી, તેના પર છેલ્લો પૂર્ણવિરામ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપીને મૂક્યો હતો.

બીજી તરફ ભાજપે અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાતને પીઆર સ્ટંટ ગણાવી છે. ભાજપનું કહેવું છે કે કેજરીવાલને કોર્ટની શરતોથી રાજીનામું આપવાની ફરજ પડી છે. સાથે જ આમ આદમી પાર્ટીએ કહ્યું કે મુખ્યમંત્રી લિટમસ ટેસ્ટમાંથી પસાર થવા માટે તૈયાર છે. અરવિંદ કેજરીવાલે ઈમાનદારીનો નવો ધોરણ સ્થાપિત કર્યો છે. બીજી તરફ આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, ’મુખ્યમંત્રી લિટમસ ટેસ્ટમાંથી પસાર થવા માટે તૈયાર છે. હવે તે ઈમાનદાર છે કે નહીં તે દિલ્હીની જનતાના હાથમાં છે. અરવિંદ કેજરીવાલે ૨૦૨૦માં કામના નામે વોટ માંગ્યા હતા અને કહ્યું હતું કે જો મેં કામ કર્યું હોય તો મને વોટ આપો, જો મેં કામ ન કર્યું હોય તો મને વોટ ન આપો. દિલ્હીની જનતા આપને વોટ આપીને તેમના મુખ્યમંત્રીને ઈમાનદાર જાહેર કરશે અને આગામી ૨૦૨૫ની દિલ્હીની ચૂંટણીમાં દિલ્હીની જનતા તે ચૂંટણી દ્વારા તેમના મુખ્યમંત્રીને ઈમાનદાર જાહેર કરશે.