ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે : 15થી 17 સપ્ટેમબર દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે

ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. 15થી 17 સપ્ટેમબર દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે. 16 સપ્ટેમ્બરે PM અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાશે. તેમજ 10,800 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરશે. જેને લઇને GMDC ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ચાર વિશાળ જર્મન ડોમમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરાઈ છે. પોલીસની પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રહેશે.

PM મોદી 15મીએ બપોરે 4.30 અમદાવાદ આવી પહોંચશે અને ત્યાર બાદ તેમજના જન્મ દિવસે એટલે 17 સપ્ટેમ્બરની સવારે 9 વાગ્યે ઓડિશાના ભુવનેશ્વર જવા રવાના થશે.

Aથી D સુધીના કુલ 16-16 બ્લોક અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ચાર મોટા વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાશે. રાજ્યભરમાંથી જનતા આવવાની હોવાથી 4 અલગ-અલગ ક્લસ્ટર બનાવાયા છે, જેમાં ક્લસ્ટર મુજબ વિવિધ શહેરો-જિલ્લાના લોકોની બેઠક વ્યવસ્થા કરાશે. આ ક્લસ્ટરમાં Aથી D સુધીના કુલ 16 બ્લોક બનાવાશે, જેમાં એક બ્લોકમાં અંદાજે 1,000થી 1200 લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરાશે. આ સાથે દૂરદર્શન ટાવર ખાતે હેલિપેડ પણ તૈયાર થઈ રહ્યું છે. પીએમ મોદી ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટરમાં આવે તેવી શક્યતા છે. જોકે અંતિમ સમયે એમાં ફેરફાર થાય તો ગાંધીનગરથી તેઓ કારમાં આવે એવી પણ સંભાવના છે.

GMDC ગ્રાઉન્ડ આસપાસ આવેલા 14 મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી પ્લોટમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ આસપાસના ચારે તરફના રસ્તા 16મી સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યા બાદ બંધ કરી દેવાશે. દૂરદર્શનથી લઈને જીએમડીસી ગ્રાઉન્ડ સુધીનો રોડ પણ બંધ રહેશે. આવનારા લોકોને તકલીફ ન પડે એ માટે વહેલા લોકોને ગ્રાઉન્ડ ખાતે વાહનમાંથી ડ્રોપ કરવા માટેની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન ફેઝ-2નું PMના હસ્તે લોકાર્પણ વડાપ્રધાન 7 પ્રોજેક્ટ કાર્યોના ખાતમુહૂર્ત અને 25 પ્રોજેક્ટ તેમજ કાર્યોના લોકાર્પણ કરશે. જેમાં સૌથી મોટો પ્રોજેક્ટ રૂ. 3200 કરોડના ખર્ચે તૈયાર થયેલા અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન ફેઝ-2નું લોકાર્પણ કરશે. અમદાવાદમાં સરદાર પટેલ રિંગરોડ પર પૂર્વ વિસ્તારમાં મુખ્ય ટ્રાફિક જંકશન પર નવા બનનારા ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરશે. ઝુંડાલ ખાતે નવા બનેલા આવાસ યોજનાના મકાનોનું પણ લોકાર્પણ કરશે.

દેશની પહેલી ટ્રેન વંદેભારત બાદ હવે ટૂંકા અંતરનાં શહેરો વચ્ચે લોકોને ઝડપી કનેક્ટિવિટી મળી રહે તે માટે સ્વદેશી વંદે મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ રહી છે. દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ-ભુજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટ્રેનનો લોકાર્પણ સમારંભ ભુજ ખાતે યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારા કાર્યક્રમમાંથી ઓનલાઈન લીલી ઝંડી ફરકાવી ટ્રેનનો શુભારંભ કરાવશે. જ્યારે ટ્રેનના રેગ્યુલર સંચાલન દરમિયાન અમદાવાદ અને ભુજ વચ્ચે સાબરમતી, ચાંદલોડિયા, સાણંદ, વીરમગામ, સામખિયાળી, ગાંધીધામ સહિત 12 જેટલાં સ્ટેશનો પર ઊભી રહે તેવી શક્યતા છે. જો કે, ટ્રેનના સ્ટોપેજ સહિત સત્તાવાર સમયપત્રક અંગે આગામી એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.