દે.બારીઆના કોર્ટ રોડ ઉપર ભુગર્ભ ગટરના ગંદા પાણી ફરી વળતા હાલાકી

દે.બારીઆ નગરના કોર્ટ રોડ જતાં રસ્તામાં બસ સ્ટેશન પાસે આવેલ ભુગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણીના કારણે ખુબ જ મુશ્કેલી ભોગવી પડી રહી છે. આ ઉભરાતી ભુગર્ભ ગટરના ગંદા પાણી બસ સ્ટેશન તથા આસપાસની આવેલ દુકાનોમાં ભરાય છે. રસ્તામાં પડેલા ખાડાઓના કારણે ચાલતા જતા રાહદારીઓને ગંદા પાણીના છાંટાઓ ઉડે છે. આ રસ્તા પરથી શાળાના નાના ભુલકાઓ અભ્યાસ માટે ચાલતા અવર જવર કરે છે.

આ ભુગર્ભ ગટરનુ ગંદુ પાણી બસ સ્ટેશનમાં રેલાય છે. બસ સ્ટેશનની બહાર ચાલતા નીકળતા આ દુર્ગંધ મારતા ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. શાળા, કોર્ટ, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત તથા સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. આ ભુગર્ભ ગટરના ગંદા દુર્ગંધ મારતા પાણીના કારણે મોટો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે.હાલ ચોમાસાની સીઝન હોવાના કારણે મેલેરીયા, ડેન્ગ્યુ જેવા રોગોનો પણ રાફડો ફાટ્યો છે ત્યારે આ ગટરનુ કામ વહેલી તકે નહિ કરાવવામાં આવે તો મોટો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે.