દાહોદ તાલુકાના ખરવાણી ગામે કરૂણાંતિકા છવાઈ જવા પામી છે. જેમાં ગતરોજ રાત્રીના સમયે વરસતા વરસાદ વચ્ચે ગામમાં આવેલ એક કાચા મકાનની દિવાલ ધરાશાઈ થઈ જતાં મકાનમાં મીઠી નિંદર માણી રહેલ પરિવારજનો પૈકી બે માસુમ બાળકો દિવાલ નીચે દબાઈ જવાને કારણે બંન્ને માસુમ બાળકોના મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે. ત્યારે એક બાળક તેમજ એક વ્યક્તિને પણ શરીરે ઈજાઓ પહોંચતાં બંન્નેને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તમામ સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ વરસતા વરસાદ વચ્ચે દાહોદના ખરવાણી ગામે સંગાડા ફળિયામાં રહેતાં મનુભાઈ ભુરાભાઈ ડામોર તથા તેમના પરિવારજનો પોતાના કાચા મકાનમાં ગતરોજ વરસાદી માહૌલ વચ્ચે ઘરમાં મીઠી નિંદર માણી રહ્યાં હતા. ત્યારે મધ્યરાત્રીના સમયે અચાનક કાચા મકાનની દિવાલ ધરાશાઈ થઈ જતાં એકાએક બુમાબુમ મચી જવા પામી હતી, પરંતુ કંઈ સમજાય તે પહેલા દિવાલ પડતાની સાથે દિવાલ નીચે 07 વર્ષિય જોસનાબેન તથા 05 વર્ષિય રોશનીબેન તેમજ કીરણ અને મનુભાઈ એમ ચારેય જણા દિવાલ નીચે દબાઈ ગયાં હતા.
જેમાં 07 વર્ષિય જોસનાબેન તેમજ 05 વર્ષિય રોશનીબેન દિવાલ નીચે દબાઈ જવાને કારણે બંન્ને માસુમ બાળકોના ઘટના સ્થળ પર મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાને પગલે મધ્યરાત્રીના સમયે લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ તેમ સંબંધિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયાં હતાં. બંન્ને માસુમ મૃતક બાળકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવ્યાં હતા. જ્યારે ઈજાગ્રસ્ત કીરણભાઈ તથા મનુભાઈને પણ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.