- આ ડાબેરી બેટ્સમેને વન-ડે અને ટી૨૦માં સુધારો કરવાની જરૂર છે.
ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સુકાની સૌરવ ગાંગુલીનું માનવું છે કે રિષભ પંત મહાન ટેસ્ટ ક્રિકેટર બનવા તરફ આગળ વધી રહ્યો છે પરંતુ સાથે સાથે આ ડાબેરી બેટ્સમેને ક્રિકેટના ટૂંકા ગાળાના (વન-ડે અને ટી૨૦)માં સુધારો કરવાની જરૂર છે.ભારતીય ટીમ ૧૯મી સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ખાતે ટેસ્ટ રમવાની છે અને તે માટેની ભારતીય ટીમની રવિવારે જાહેરાત કરાઈ હતી.
આ ટીમમાં રિષભ પંતને સામેલ કરાયો તે સાથે તે લગભગ બે વર્ષના ગાળા બાદ ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરશે. ડિસેમ્બર ૨૦૨૨માં તે એક ગંભીર માર્ગ અક્સ્માતમાં ઘવાયો હતો. ત્યાર બાદ તેણે ૨૦૨૪ની આઇપીએલ સાથે પુનરાગમન કર્યું હતું. આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં વિજેતા બનેલી ભારતીય ટીમનો પણ તે સદસ્ય હતો. જોકે ટેસ્ટ ક્રિકેટમાં તે ઘણા સમય બાદ રમી રહ્યો છે. તાજેતરમાં તે દુલીપ ટ્રોફીની મેચમાં રમ્યો તે સાથે તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું.
આ તમામ પ્રકારના ક્રિકેટમાં રિષભ પંતે સંતોષજનક રમત દાખવી હતી. તેના વિશે સૌર ગાંગુલીએ જણાવ્યું હતું કે રિષભ પંતને હું ભારતના શ્રેષ્ઠ બેટ્સમેનમાં ગણતરી કરું છું. તે ટીમમાં પરત ફર્યો તેનાથી મને આશ્ર્ચર્ય થયું નથી. અને, હવે તે ભારત માટે ટેસ્ટમાં રમવાનું જારી રાખશે તેવો મને વિશ્ર્વાસ છે.
રિષભ પંત આ પ્રકારનું ફોર્મ જાળવી રાખશે તો તે ભારતનો મહાન ટેસ્ટ ક્રિકેટર બની જશે. મારા મતે તેને લિમિટેડ ઓવરના ક્રિકેટમાં બહેતર બનવાની જરૂર છે. તેનામાં જે પ્રકારની પ્રતિભા છે તે જોતાં મને ખાતરી છે કે તે સર્વશ્રેષ્ઠ બની જશે તેમ સૌરવ ગાંગુલીએ ઉમેર્યું હતું.પ્રવાસી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટેની ટીમ જાહેર કરતી વખતે પસંદગીકારોએ મોહમ્મદ શમીને તેની સર્જરી બાદ આરામ માટે વધારે સમય આપવાનું નક્કી કર્યું છે. તેને બદલે નવોદિત એવા યશ દયાલ અને આકાશ દીપને ટીમમાં સામેલ કર્યા છે જ્યારે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાઝ ભારતના પ્રમુખ ઝડપી બોલર રહેશે.
ગાંગુલીએ જણાવ્યું હતું કે મને ખ્યાલ છે કે મોહમ્મદ શમી ઇજાને કારણે રમી શકે તેમ નથી પરંતુ તે ટૂંક સમયમાં જ પરત ફરશે કેમ કે ભારતીય ટીમ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનારી છે. આમ છતાં વર્તમાન બોલિંગ આક્રમણ ઘણું સારું છે.ભારતમાં તમે વધારે સ્પિન જોઈ શકો છો. ચેન્નાઈમાં તમે વધારે ઉછાળ જોશો. રવિચંદ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ હાલના સમયમાં વિશ્ર્વના ચાર સર્વશ્રેષ્ઠ સ્પિનર છે. તેમની સામે રમવું આસાન નથી. તમે ભારતમાં રમતા હો ત્યારે સ્પિનરનું મહત્વ વધી જતું હોય છે. જોકે ભારત એકંદરે ઘણી સારી ટીમ છે.
ભારતીય ટીમ આ વખતે બાંગ્લાદેશને હળવાશથી લઈ શકે તેમ નથી. તેમાંય તાજેતરમાં જ બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાનને તેના ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું છે. હવે તેઓ ભારતમાં બે ટેસ્ટ રમવાના છે. આ તબક્કે સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે રોહિત શર્માન ટીમને આ વખતે અલગ જ પડકારનો સામનો કરવાનો આવશે. તેણે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં રમવું અને તેમને હરાવવા ક્યારેય આસાન રહ્યું નથી. આમ બાંગ્લાદેશી ખેલાડીને યશ આપવો જોઇએ. પરંતુ ભારત અલગ જ ટીમ છે. વર્તમાન ક્રિકેટમાં હોમગ્રાઉન્ડ હોય કે વિદેશી મેદાનો હોય પણ ભારતને હરાવવું આસાન નથી. ભારત ઘણી મજબૂત ટીમ છે. મને નથી લાગતું કે આ વખતે બાંગ્લાદેશને સફળતા મળે પરંતુ હું એમ કહીશ કે ભારત આ સિરીઝ જીતી જશે પણ ભારતને પડકાર મળશે તેમાં શંકા નથી.