દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે ત્યારે છેલ્લા બે દિવસમાં સુરત અને ખેડાના કઠલાલમાં અનિચ્છનીય ઘટનાઓ ઘટી છે. આ ઘટનાઓના સંદર્ભમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ આઇજીપી અને ડીએસપી સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તેની માહિતી મેળવી હતી. આગામી ગણેશ વિસર્જન અને ઇદે મિલાદના તહેવારોમાં કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તેની તકેદારી માટે સૂચન કર્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં એસઆરપીની ૩૦ કંપની તૈનાત કરવામાં આવી છે. સુરતમાં વધારાની એસઆરપી પણ રવાના કરવામાં આવી છે.
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના અને ખેડાના કઠલાલમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી વખતે થયેલી તકરારને લઇને પોલીસ એલર્ટ છે. લાંબા સમય બાદ રાજ્યમાં ગણેશ ઉત્સવમાં અથડામણ કે પથ્થરમારાની ઘટના નોંધાઇ છે. જેની ડીજીપીએ ગંભીર નોંધ લીધી છે.
ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, રાજ્યભરની પોલીસ ગણેશ ઉત્સવ અને ગણેશ વિસર્જનની તૈયારીમાં લાગી ગઇ છે. રાજ્યમાં કુલ ૯૩ હજારથી વધુ ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરાયું છે. જે પૈકી ૭૩ હજાર પ્રતિમાનું વિસર્જન તા. ૧૭મીએ કરાશે. આ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉપરાંત, ઇલે મિલાદમાં પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, સુરતવાળી ઘટનામાં છ બાળકોએ પથ્થરમારો કર્યો હોવાનું ખૂલ્યુ છે. તેમની સામે કાયદાની મર્યાદામાં રહીને પગલાં લેવાયા છે. આ ઉપરાંત આ બન્ને અનિચ્છનીય ઘટનાઓમાં કુલ ૨૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં પથ્થરમારાની ઘટનાને લઇને પોલીસ કમિશનર તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિ થાળે પાડી હતી. ગુનેગારોને ઝડપી લેવામાં આવ્યા છે.
ગણેશ ઉત્સવની શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે પોલીસ કમિશનરે એક્શન પ્લાન ઘડ્યો છે. જેમાં તહેવાર સંપન્ન થાય નહીં સુધી પોલીસ ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓએ પોતાનું કાર્યક્ષેત્ર છોડવાનું રહેશે નહીં. ગણેશ પંડાલમાં રાત્રે પૂજા અને અર્ચના કરવામાં આવતી હોવાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને એસીપીના રાત્રે ૧૨ વાગ્યાના લોકેશન મેળવવામાં આવશે.
તમામ અધિકારીઓએ પોતાના વિસ્તારમાં સાંજે સાતથી રાત્રે ૧૨ સુધી સતત પેટ્રોલિંગ કરવાનું રહેશે. શી ટીમ ગણેશ પંડાલની સતત વિઝિટ લેતી રહેશે, હોમગાર્ડસ પણ તૈનાત કરાશે. આ ઉપરાત તમામ મંડપ આજુબાજુના સીસીટીવી કેમેરા એક્ટિવ રખાશે. જ્યાં સીસીટીવી કેમેરા ન હોય ત્યાં વીડિયોગ્રાફી અને ડ્રોનની મદદથી વીડિયોગ્રાફી કરાશે. દરેક ડીસીપી અને એસીપી કક્ષાના અધઇકારીઓ શાંતિ માટે લેવાયેલી મીટિંગ્સની વિગતો રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત કોઇ પણ અનિચ્છનિય બનાવોના વીડિયો તથા અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થાય નહીં તેની તકેદારી રખાશે.