એઆઇએમઆઇએમ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડશે, ઓવૈસીએ ૫ ઉમેદવારોની જાહેરાત કરી

મહારાષ્ટ્રના રાજકારણમાં તમામ પક્ષોએ દાવ રમવાનું શરૂ કરી દીધું છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રમાં જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી આ ચૂંટણીમાં તેના ઉમેદવારો ઉભા કરશે. તેમણે પોતાના ૫ ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. આ સાથે તેમણે અજિત પવારને સુધારા બિલનો વિરોધ કરવા પણ કહ્યું છે.

તેમણે કહ્યું કે, ઔરંગાબાદના પૂર્વ લોક્સભા સાંસદ ઇમ્તિયાઝ જલીલ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર હશે. મીડિયા સાથે વાત કરતા ઓવૈસીએ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમાં ધારાસભ્યો મુફ્તી ઈસ્માઈલ, શાહ ફારૂક અનવર, ફારૂક શાબદી અને રઈસ લશ્કરિયાનો પણ સમાવેશ થાય છે.

મુતી ઈસ્માઈલ હાલમાં માલેગાંવ સેન્ટ્રલ સીટથી ધારાસભ્ય છે, જ્યારે અનવર ધુલે શહેરથી ધારાસભ્ય છે. લશ્કરી એઆઈએમઆઈએમના મુંબઈ યુનિટના નેતાઓ છે. ઈમ્તિયાઝ જલીલના મતવિસ્તારની જાહેરાત કરવામાં આવી નથી. ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં તેમને શિવસેનાના સંદીપન ભુમરેથી હારનો સામનો કરવો પડ્યો હતો.

વકફ સુધારા બિલ અંગે તેમણે કહ્યું કે, અજિત પવારની એનસીપીએ તેનો વિરોધ કરવો જોઈએ. ઓવૈસીએ કહ્યું, ‘અજિત પવાર કહે છે કે તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યા છે, પરંતુ ધર્મનિરપેક્ષતા છોડી નથી. આના પર ઓવૈસીએ કહ્યું કે જો એવું હોય તો તેમણે નરેન્દ્ર મોદી સરકારના આ બિલનો વિરોધ કરવો જોઈએ. આ બિલ વકફ જમીન સંબંધિત નિર્ણયોમાં કલેક્ટરને વધુ સત્તા આપે છે. આ સાથે ઓવૈસીએ કહ્યું કે, આ બિલ બંધારણ વિરોધી રહેશે.

તેમણે કહ્યું કે, હિન્દુ એન્ડોમેન્ટ એક્ટ, ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી કે ખ્રિસ્તીઓ માટે આવું બિલ ક્યારેય રજૂ કરવામાં આવ્યું નથી. આ સાથે તેમણે કહ્યું કે આ બિલ ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો પર હુમલો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એ કયુઆર કોડ દ્વારા લોકોને આ બિલ વિરુદ્ધ સૂચનો આપવા અપીલ કરી છે. આ વક્ફની એનઆરસી સાબિત થશે. આ સાથે તેમણે કહ્યું કે, ન્યાયના સિદ્ધાંતો અનુસાર કોઈ પણ કલેક્ટર પોતાને ન્યાયાધીશ માની શકે નહીં.