રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી દ્વારા લોક અદાલતના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ હસ્તકની ગુજરાત રાજ્યની તમામ અદાલતોમાં આગામી તા.14/09/2024 શનિવારના રોજ નેશનલ લોક અદાલત યોજાશે.
આ તા.14/09/2024 નાં રોજની નેશનલ લોક અદાલતમાં વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુસર ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનાં મુખ્ય સંરક્ષક . સુનીતા અગ્રવાલજીનાં વિશેષ સંદેશ સાથે ગુજરાત હાઈકોર્ટનાં વરીષ્ઠ ન્યાયમૂર્તિ . બિરેન એ. વૈષ્ણવ ગુજરાતની અગ્રણી ડીડી ગીરનાર ચેનલ પર પ્રસારિત થનાર વિશેષ કાર્યક્રમ હાજીર હો માં રૂબરૂ ઉપસ્થિત રહીને લોક અદાલતના વિવિધ લાભો જેવા કે લોક અદાલત સમાજ માટે તકરાર નિવારણનો સુવર્ણ માર્ગ છે, લોક અદાલતમાં કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોને ઘરે દીવો પ્રગટે છે, લોક અદાલતમાં કેસોનો નિકાલ-ચુકાદો આખરી હોઈ અપીલની જોગવાઈ હોતી નથી, કોર્ટ ફીની રકમ પુરેપુરી રીફંડ પરત મળવાપાત્ર છે તથા અન્ય કોઈ ખર્ચ થતો નથી તથા અન્ય તમામ સકારાત્મક મુદાઓ પર વિસ્તૃત અને માહિતીસભર ચર્ચા કરવાનાં છે.
આ વિશેષ કાર્યક્રમ હાજીર હો નું પ્રસારણ અનુક્રમે તા.11/09/2024 બુધવારે બપોરે 02-30 કલાકે, તા.12/09/2024 ગુરૂવારે સાંજે 06-00 કલાકે તથા તા.13/09/2024 શુક્રવારે સવારે 09-30 કલાકે ડીડી ગીરનાર ચેનલ તથા યુટ્યુબ પર કરવામાં આવશે. જેથી જે અરજદારો, પક્ષકારો, વકીલઓ, વીમા કંપનીઓ, બેંકો, નાણાંકીય સંસ્થાઓ, વીજ કંપની તથા મોબાઈલ કંપનીઓ વિગેરે આ લોક અદાલતમાં પોતાનાં પેન્ડીંગ અને પ્રિ લીટીગેશન કેસોનો સુખદ નિકાલ લાવવા માંગતા હોય તે સૌને તથા જાહેર જનતાને આ વિશેષ કાર્યક્રમ નિહાળી આ નેશનલ લોક અદાલત વિશે સંપૂર્ણ માહિતગાર થઈને વધુમાં વધુ લાભ લેવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદનાં ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ . એન એ. અંજારીઆ દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે.