શહેરાના કાંકરી રોડ ઉપર બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દાગીના અને રોકડ મળી 73 હજારની ચોરી કરી ફરાર

શહેરાના કાંકરી રોડ પર આવેલ દેવકૃપા સોસાયટીના બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ અને સોનાના દાગીના મળીને કુલ રૂપિયા 73,000ની ચોરી કરી ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મકાન માલિકની ફરીયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

પંચમહાલ જીલ્લાના શહેરા નગરના કાંકરી રોડ ઉપર આવેલ દેવ કૃપા સોસાયટીમાં બે બંધ મકાનોને તસ્કરોએ સોમવારની મોડી રાત્રિના સમયે નિશાન બનાવ્યા હતા. ચોર ટુકડીએ આ સોસાયટીના બે બંધ મકાનના મૂખ્ય દરવાજાના નકુચો કોઈ સાધન વડે કાપીને મકાનમાં પ્રવેશ કરીને અંદરના રૂમમાં આવેલી તિજોરીમાં રહેલ સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. એક મકાન માંથી રૂપિયા 50 હજાર જેવી રોકડ રકમ જ્યારે બીજા મકાન માંથી રોકડ રકમ તેમજ સોનાના દાગીની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.

આ બંને મકાનો પૈકી એક મકાન માલિક ગઈકાલે મરણ પ્રસંગમાં વતન ગયા હોવાથી તેમનું મકાન બંધ હતું. જ્યારે બીજા મકાન માલિક બહારગામ નોકરી પર હોવાને કારણે મકાન બંધ હતું. જેને લઈને આ દેવકૃપા સોસાયટીના બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી હાથ ફેરો કરી પલાયન થઇ ગયા હતા. મકાન માલિક જયપાલસિંહ બારીયા અને દિપકસિંહ બારીયાએ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધાવતા પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જોકે, નગર વિસ્તારમાં ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે ચોર ટુકડીએ બે બંધ મકાનને નિશાન બનાવીને ચોરીને અંજામ આપતા સોસાયટીના રહીશોમાં ડરનો માહોલ જોવા મળી રહયો છે.