ગોધરા સિવિલ હોસ્પિટલના બાળ સારવાર વિભાગમાં ત્રણ હાઇ રિસ્ક નવજાત શિશુ સ્વસ્થ થતા હર્ષભેર રજા અપાઈ

  • બાળકોના વાલીઓએ તમામ ડોક્ટર્સ, નર્સિંગસ્ટાફ તથા સરકારનો આભાર વ્યકત કર્યો.

સિવિલ હોસ્પિટલ, ગોધરાના NICU વિભાગે જોખમી,જટિલ અને ચોકસાઈ માંગી લેતી તબીબી રોગને સફળતા પૂર્વક સારવાર આપીને ઈશ્ર્વરના દૂત સમાન ત્રણ નવજાત બાળકોને આજે રજા આપી હતી. બાળ રોગ વડા ડો.જીગર ઠક્કરના વડપણ હેઠળ NICU ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતાં ડો.ભાર્ગવ પટેલ અને તેમની NICU રેસિડેન્ટ ડોક્ટર્સ ટીમ અને નર્સિંગસ્ટાફએ આ ત્રણ માસૂમ બાળકોના રોગને સારવાર આપવામાં કોઇ કચાશ રાખી નહોતી.

જેમાં એક બાળકને જન્મતાની સાથે જ મેકોનિયમ (ગંદુ પાણી) પી ગયું હતું અને જેના કારણે તેણે મેકોનિયમ અસ્પીરેશન સિન્ડ્રોમ અને જમણું ફેફસું ફાટી પણ ગયું (PNEUMOTHORAX)હતું. જેનું તાત્કાલિક નિદાન થતા જ તુરંત સારવાર કરવામાં આવી હતી અને મેકોનિયમ એસ્પિરેશનની કોમ્પ્લિકેશન Persistent Pulmonary Hyper tension ની પણ સારવાર તુરંત ચાલુ થઈ જતાં આજે 12 દિવસે 3.400 કિલો વજન સાથે માત્ર માતાના ધાવણ પર બાળકને રજા આપવામાં આવી હતી.

બીજા એક 15 દિવસનું આ માસૂમ બાળક જ્યારે દાખલ થવા માટે આવ્યું. ત્યારે માત્ર 2 ટકા જ હિમોગ્લોબીન હતું; વધુ તપાસ કરતા નિદાન થયું કે બાળક Rh incompatibility નો કેસ છે. સદનસીબે બાળકનું નિદાન થતા intravenous immunoglobin જેવી ભારે દવા ચાલુ કરાઈ હતી અને ત્યારબાદ માત્ર માતાના ધાવણ પર ન્યુરોલોજીક્લી ઈન્ટેક્ટ સર્વાઈવલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું.

ત્રીજા બાળકને વેન્ટીલેટર જેવી સઘન સારવાર માટે માતા પિતા બાળકને વડોદરા લઈ જવા માંગતા હતા. પરંતુ વરસાદના કારણે સિવિલ હોસ્પિટલ ગોધરાના NICU ખાતે બાળક દાખલ કરવામાં આવ્યું હતું અને 1 અઠવાડિયાના ગાળામા જ એમ્નિઓટિક ફ્લુઇડ ગેસ્ટ્રાઇટિસ અને PPHN જેવી બીમારીને સાજી કરીને હર્ષભેર રજા અપાઈ હતી. ત્રણેય નવજાત શિશુને રજા આપતા NICU સ્ટાફ તથા હોસ્પિટલ વડાઓએ હર્ષની લાગણી અનુભવી હતી.

બાળકોના વાલીઓએ તમામ ડોક્ટર્સ, નર્સિંગસ્ટાફ તથા સરકાર તરફથી મળતી વિવિધ યોજનાઓનો લાભ લીધેલ હોઈ CDMO ડો.મોના પંડયાનો પણ હૃદયથી આભાર માન્યો હતો અને સાથે સાથે તેમણે સારવાર અર્થે દુર જવું ના પડતાં રાહતની લાગણી પણ અનુભવી હતી.

તમામ શિશુઓના માતા-પિતાને હવે આગળ કઈ રીતે કાળજી રાખવાની એની સમજણ વિભાગના વડા ડો. જીગર, ડો. ભાર્ગવ તથા અન્ય સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાળકોએ સરકાર દ્વારા ચાલતી યોજનાઓ PMJAY,JSSK,RBSK નો લાભ લીધો હતો.