મણિપુર હજી પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું, જે મોદી સરકાર માટે એક ગંભીર ચિંતાનો વિષય હોવો જોઇએ. હાલમાં જ ત્યાં ફરીથી હિંસા ભડકી ઊઠી, જેમાં કેટલાય લોકો માર્યા ગયા. નવેસરથી હિંસા ભડકવાથી હાલત વધુ બગડવાની આશંકાને કારણે રાજ્ય સરકારે જે રીતે તમામ સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લીધો, એનાથી એ જ ખબર પડે છે કે હિંસા પર કાબૂ મેળવવો મુશ્કેલ થતું જાય છે. આ સીમાવર્તી રાજ્યમાં રહી-રહીને હિંસક ઘટનાઓ થતી જ રહે છે. તેનાથી શાંતિ બહાલીની આશા દમ તોડતી રહે છે. મણિપુરને અશાંત થયે એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને હાલની ઘટનાઓથી લાગતું નથી કે ત્યાં આસાનીથી શાંતિ સ્થાપી શકાશે.
ચિંતાજનક માત્ર એ નથી કે મૈતેઇ અને કુકી સમુદાયો વચ્ચે હિંસક ટકરાવ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી, બલ્કે એ પણ છે કે હવે ત્યાં ક્યાંય વધુ ઘાતક હથિયારોનો ઉપયોગ થઈ રહ્યો છે. ગત દિવસોમાં પહેલાં એ ચોંકાવનારું તથ્ય સામે આવ્યં કે ત્યાં ડ્રોનથી હુમલા થઈ રહ્યા છે, પછી રોકેટ હુમલાના સમાચાર આવ્યા. સ્પષ્ટ છે કે હથિયારબંધ સમૂહ ન માત્ર ક્યાંય વધુ આધુનિક હથિયારોથી સજ્જ થઈ રહ્યો છે, સાથે જ તે દુસ્સાહસ પણ કરી રહ્યો છે. હવે તો એવું પણ લાગે છે કે તેમના દુસ્સાહસનો સામનો કરવામાં સુરક્ષા દળોને પણ મુશ્કેલી પડી રહી છે. એ સામાન્ય વાત નથી કે હથિયારબંધ સમૂહ સુરક્ષા દળોથી હથિયાર છીનવી લે છે અને જવાબી કાર્યવાહીથી બચવા માટે બંકરોમાં છૂપાઈ જાય છે.
મણિપુરમાં સ્થિતિઓ કઈ રીતે ખરાબ થતી જાય છે, તેને એનાથી પણ સમજી શકાય છે કે ડ્રોન અને રોકેટ હુમલાને કારણે સુરક્ષા દળોને હેલિકોપ્ટરો દ્વારા નજર રાખવી પડી રહી છે. મણિપુરની હાલત એ જ દર્શાવે છે કે રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે કેન્દ્ર, રાજ્ય સરકાર અને સુરક્ષા દળોએ કોઈ નવી રણનીતિ પર કામ કરવું પડશે. આ રણનીતિ અંતર્ગત તેમણે મૈતેઇ અને કુકી સમુદાય વચ્ચે વૈમનસ્ય ખતમ કરવાના પ્રયત્નો કરવા પડશે. આ આસાન કામ નથી, કારણ કે બંને સમુદાય સંપૂર્ણ રીતે વહેંચાઈ ગયા છે.
સ્થિતિ એ છે કે એકબીજાના વિસ્તારોમાં રહેનારા બંને સમુદાયના લોકો ત્યાંથી પલાયન કરી ચૂક્યા છે.આ બંને સમુદાયો વચ્ચે અવિશ્વાસ ખતમ કરવાની સાથે જ ઉપદ્રવ તત્ત્વો અને વિદ્રોહીઓના દુસ્સાહસનું દમન કરવું પણ જરૂરી છે. આજ ક્રમમાં મણિપુરમાં મ્યાંમારથી થનારી ઘૂસણખોરી પર પણ હવે લગામ લગાવવી પડશે અને માદક પદાર્થોના કારોબારને પણ કચડી નાખવો પડશે. મ્યાંમાર પણ અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યું છે, તેથી કેન્દ્ર સરકારે ક્યાંય વધુ સજાગ રહેવું પડશે. એ માનવાનાં ઘણાં કારણો છે કે મણિપુરમાં ભારત વિરોધી શક્તિઓ પણ સક્રિય છે. જો મણિપુર અશાંત રહે છે તો ભારત સરકારે પોતાની એક્ટ ઇસ્ટ નીતિને આગળ વધારવામાં મુશ્કેલી જ થશે.