કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન એક કાર્યક્રમમાં ભારતને લઈને અનેક નિવેદનો આપ્યા છે. રાહુલ ગાંધીએ દેશની રાજનીતિ, અર્થતંત્ર અને રોજગારના મુદ્દાઓ પર વાત કરી છે. રાહુલે કહ્યું છે કે ભારતીય રાજકારણમાં પ્રેમ, સન્માન અને નમ્રતા ખૂટે છે. આ સાથે જ રાહુલે રોજગારના મુદ્દે પણ ચીનના વખાણ કર્યા છે. હવે બીજેપી નેતા ગિરિરાજ સિંહે રાહુલના આ નિવેદનો પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી પર દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ.
ટેક્સાસમાં કોંગ્રેસના સાંસદ અને લોક્સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ ગિરિરાજ સિંહ ગુસ્સે છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી ભારતની બહાર જઈને ભારતને ગાળો આપી રહ્યા છે અને ચીનના વખાણ કરી રહ્યા છે. એવું લાગે છે કે તેઓ ચીનના પૈસા પર જીવી રહ્યા છે અને તેથી જ તેઓ બહાર જઈને ચીનનો પ્રચાર કરી રહ્યા છે. એવા લોકો સામે દેશદ્રોહનો કેસ થવો જોઈએ જેઓ ભારતની બહાર જઈને ભારતની ટીકા કરે છે અને દુશ્મન દેશોના વખાણ કરે છે.
ટેક્સાસમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે પશ્ચિમી દેશોમાં રોજગારની સમસ્યા છે. ભારતમાં રોજગારની સમસ્યા છે પરંતુ વિશ્ર્વના ઘણા દેશોમાં રોજગારની સમસ્યા નથી. રાહુલે કહ્યું કે ચીનમાં ચોક્કસપણે રોજગારની કોઈ સમસ્યા નથી. વિયેતનામમાં રોજગારની કોઈ સમસ્યા નથી. વિશ્વમાં એવી ઘણી જગ્યાઓ છે જે બેરોજગારી સાથે સંઘર્ષ કરી રહી નથી. ચીન વૈશ્વિક ઉત્પાદન પર પ્રભુત્વ ધરાવે છે. પશ્ચિમ , અમેરિકા, યુરોપ અને ભારતે ઉત્પાદનનો વિચાર છોડી દીધો છે અને તેને ચીનને સોંપી દીધો છે.
કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભારતીય રાજનીતિમાં પ્રેમ, સન્માન અને નમ્રતા ખૂટે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસ માને છે કે ભારત એક વિચાર છે અને અમે માનીએ છીએ કે ભારત વિચારોની બહુમતી છે. અમે માનીએ છીએ કે દરેકને તેમની જાતિ, ભાષા, ધર્મ, પરંપરા અથવા ઇતિહાસને યાનમાં લીધા વિના સમાવવાની છૂટ હોવી જોઈએ, સ્વપ્ન જોવાની મંજૂરી આપવી જોઈએ.