ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટના, કાર અકસ્માતમાં ૨ મહિલાના મોત થયાં

રાજ્યમાં રોજેરોજ ગોઝારા અકસ્માત થતા રહે છે. ત્યારે ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. ગાંધીનગર પેથાપુર રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. લક્ઝુરિયસ મસડીઝ કારે ગંભીર અકસ્માત સર્જ્યો છે. અકસ્માત દરમિયાન રોડની સાઈડે ઉભેલા દેરાણી અને જેઠાણી અડફેટે આવી જતા ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. પુરપાટ ઝડપે આવતી મસડીઝ કારે અન્ય ૨ વાહન ચાલકોને અડફેટે લેતા મોટી દુર્ઘટના બની છે. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં ગાંધીનગર સેક્ટર ૩ માં રહેતા કંચનબા રાઠોડ અને મનહરબા રાઠોડનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. બન્ને મહિલા રોડની બાજુમાં ઉભી હતી તે સમય ઘટના બની હતી. બંને મહિલાઓ તેના સંબંધીની રાહ જોઈને પેથાપુર મહુડી હાઇવે ઉપર ઉનાવા ગામના પાટીયા પાસે રોડ સાઈડ પાસે ઊભા હતા. ત્યારે પેથાપુર તરફથી પુર ઝડપે આવી રહેલી બિલ્ડર દિલીપ પ્રભુદાસ પટેલની મસડીઝ કારે ગામ તરફ વળી રહેલા ડાલા સાથે અકસ્માત કર્યો હતો અને ત્યારબાદ કારના ચાલકે કાબૂ ગુમાવી દેતા કાર રોડ સાઈડમાં ઉભેલા દેરાણી-જેઠાણીને કચડીને બાઇકઅને કાર સાથે અથડાઇ હતી. અકસ્માત સર્જીને બંન્ને મહિલાઓને ૧૦ ફૂટ સુધી ઢસેડ્યા હતા.

અકસ્માત બાદ કાર ઊભી રહી ગઈ હતી. આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમાં ગંભીર ઇજાઓને કારણે દેરાણી-જેઠાણીના મોત થયા હતા. જ્યારે ડાલાના ડ્રાઈવર અને ક્લીનરને ઈજાઓ થતા તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટનાને પગલે ડાલાના ચાલક ગોલથરાના સંજયજી હમાજી ઠાકોરની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે મસડીઝ કારના ચાલક અમદાવાદ ગીતા ખાતે પદ્માવતી સોસાયટીમાં રહેતા આનંદ બાબુભાઈ રબારી સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી.

આ કાર મૂળ વિજાપુરના અને ગાંધીનગરના સેક્ટર ૮ માં રહેતા બિલ્ડર દિલીપ પ્રભુદાસ પટેલ તેમના ડ્રાઇવર સાથે વિજાપુર જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમની મસડીઝ કારે આ અકસ્માત સજર્યો હતો. પેથાપુર પોલીસ દ્વારા કારની અસલી સ્પીડ જાણવા માટે હ્લજીન્ની મદદ લેવામાં આવી છે. એક સાથે ત્રણ-ત્રણ વાહનોને અડફેટે લેવાની સાથે રસ્તાની બાજુમાં રહેલા પાનના ગલ્લાને પણ નુક્સાન થયુ હતું. ગંભીર અકસ્માત બાદ લોકોનું ટોળું ઉમટી વળ્યું હતું. આ પછી લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.