તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને શનિવારે એક નિવેદનમાં કહ્યું કે ઇઝરાયેલના આતંકવાદને રોકવા માટે ઇસ્લામિક દેશોએ એક થવું પડશે. એર્દોગને કહ્યું કે ઈઝરાયેલની વિસ્તરણવાદી નીતિ વધી રહી છે. ઈઝરાયેલના વિદેશ મંત્રીએ તુર્કીના રાષ્ટ્રપતિના આ નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં પશ્ર્ચિમ કાંઠા વિસ્તારમાં ઇઝરાયલી સૈનિકો દ્વારા તુર્કી-અમેરિકન મહિલાની કથિત ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મહિલા પશ્ર્ચિમ કાંઠે ઈઝરાયેલ દ્વારા નવી વસાહતોના નિર્માણના વિરોધમાં સામેલ થવા આવી હતી.
ઈસ્તાંબુલમાં ઈસ્લામિક સ્કૂલ એસોસિએશનના એક કાર્યક્રમમાં હાજરી આપતાં એર્દોગને કહ્યું કે ’ઈઝરાયેલના ઘમંડ અને ઈઝરાયેલના આતંકવાદને રોકવાનો એક જ રસ્તો છે અને તે છે ઈસ્લામિક દેશોનું જોડાણ.’ તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું કે તાજેતરના સમયમાં તેમણે ઇજિપ્ત અને સીરિયા સાથે તુર્કીના સંબંધો સુધારવા માટે ઘણા પગલાં લીધા છે. તુર્કીના રાષ્ટ્રપતિ પડોશી દેશ સીરિયા સાથે પણ પોતાના સંબંધો મજબૂત કરવામાં વ્યસ્ત છે. ૨૦૧૧માં સીરિયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યા ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો તંગ બની ગયા હતા.
આ અઠવાડિયે ઇજિપ્તના રાષ્ટ્રપતિએ તુર્કીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે ગાઝા યુદ્ધ અંગે ચર્ચા થઈ હતી. છેલ્લા ૧૨ વર્ષમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિની તુર્કીની આ પ્રથમ મુલાકાત છે. તુર્કી યુનાઈટેડ આરબ અમીરાત અને સાઉદી અરેબિયા સાથે પણ પોતાના સંબંધોને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એર્દોગનના નિવેદન પર ઈઝરાયેલના વિદેશ મંત્રી ઈઝરાયેલ કાટઝે કહ્યું કે એર્દોગનનું નિવેદન ખતરનાક જુઠ્ઠાણું અને ઉશ્કેરણીજનક છે. તેમણે આરોપ લગાવ્યો કે તુર્કીના રાષ્ટ્રપતિ લાંબા સમયથી ઈરાન સાથે મળીને આરબ દેશોનો પ્રભાવ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.