- મુખ્યમંત્રી પણ એક વખત ઉડતી મુલાકાતે આવીને જતા રહ્યા હતા.
વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ તા.૨૬ મીની રાતથી શરૂ થઇ હતી જેને આજે ૧૨ દિવસનો સમય વિતી ગયો છે ત્યારે આજે પણ લોકો પૂરના ખોફમાંથી બહાર આવી શક્યા નથી. હજી પણ અનેક બહુમાળી ઇમારતોના બેઝમેન્ટમાં પૂરના પાણી ઉલેચવાનું ચાલુ છે.
બીજીબાજુ ભાજપના આગેવાનો વચ્ચેની જૂથબંધી ચરમસીમાએ પહોંચી છે એટલું જ નહિ ભાજપના કોર્પોરેટરો પણ અંદરો અંદર બાખડી રહ્યા છે. કેટલાક જગ્યાએ વિરોધ થયો છે તેમાં પણ ભાજપ વિરૂધ્ધ ભાજપ ના કાર્યર્ક્તાઓની લડાઇ જામી છે અને સિનિયર નેતાઓ પણ તમાશો જોઇ રહ્યા છે.
વડોદરા શહેરમાં છેલ્લા ૧૨ દિવસથી પૂરની પરિસ્થિતિ દરમ્યાન હવે મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસર્યા પરંતુ કેટલાક નીચાણવાળા વિસ્તાર કે બહુમાળી ઇમારતોના બેઝમેન્ટ હોય તેમાં પૂરના પાણી હજી ઓસર્યા નથીપાણી બહાર કાઢવા હવે ઠેર ઠેર પંપ મુકવામાં આવી રહ્યા છે. બીજીબાજુ તળાવની આસપાસ બાંધવામાં આવેલા એપાર્ટમેન્ટોમાં પાણી ઉતરી ગયા પછી પણ બેઝમેન્ટમાં જ્યાં સુધી તળાવનું પાણી ઓછું થશે નહી ત્યાં સુધી પાણી પંપ મુકીને કાઢવા છતાં વઘુ ને વઘુ પાણી બેઝમેન્ટમાં ભરાતુ જાય છે તેવી જ પરિસ્થિતિમાં લોકો હજી પણ પૂરના ખોફમાં જીવી રહ્યા છે.
લોકો પૂરના પાણીને કારણે માનસિક રીતે પણ ભાંગી પડ્યા છે. પૂરની પરિસ્થિતિ દરમ્યાન ચાર દિવસ સુધી લોકો ફસાયા હતા ભાજપના સાંસદ, મોટાભાગના ધારાસભ્ય અને કોર્પોરેટરો તેમના વિસ્તારમાં સક્રિય રહ્યા નહીં અને પાણી ઓસરતા લોકોની મદદ માટે પહોંચ્યા ત્યારે લોકોના આક્રોશ ભોગ બનવાનો વારો આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી પણ પૂરની પરિસ્થિતિ બાદ પ્રથમ વખત વડોદરા આવ્યા ત્યારે સયાજીગંજ પરશુરામના ભઠ્ઠા વિસ્તારમાં લોકોના રોષનો ભોગ બન્યા હતા.
પૂરની પરિસ્થિતિ દરમ્યાનમાં ભાજપ દ્વારા કોઇ મદદ લોકો સુધી પહોંચી નહીં જેથી ભારે રોષ વ્યાપ્યો હતો. પૂરના પાણી ઉતર્યા તે બાદ ભાજપ દ્વારા રાહત સામગ્રી કીટ અને સરકાર તરફથી કેશડોલ આપવાની શરૂ થઇ તેમાં પણ વહાલાદવલાની નીતિ અપનાવતા હાલમાં પણ લોકોમાં રોષ વ્યાપ્યો છે એટલું જ નહીં વિપક્ષ નેતાએ આક્ષેપ પણ કર્યો હતો કે, સરકારી સહાયની રકમ આપવામાં આવે છે તે ગરીબ મધ્યમ વર્ગની મજાક ઉડાવ્યા બરાબર છે.
ભાજપના કોર્પોરેટરો અને વોર્ડ કક્ષાના કાર્યર્ક્તાઓ વચ્ચે શરૂઆતથી જ સંકલન હોતુ નથી અને આંતરિક નાના-મોટા વિવાદો ચાલતા રહેતા હોય છે. તે સમગ્ર રોષ પૂર સમયે અને તે બાદ બહાર આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ તો ભાજપના કોર્પોરેટરો જ અંદરો અંદર બાખડ્યા છે. ક્યાંક ભાજપ કોર્પોરેટર સામે ભાજપ કાર્યર્ક્તા પણ બાખડ્યાના કિસ્સા બન્યા છે. તાજેતરમાં ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠક અને કોર્પોરેશનની સમગ્ર સભામાં પણ કોર્પોરેટરો આમને સામને આક્ષેપબાજી કરી બાખડી પડયા હતા.
વડોદરાના ઇતિહાસમાં પ્રથમવાર સૌથી વઘુ વિશ્ર્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને જે વિસ્તારોમાં પાણી ક્યારેય ભરાતા ન હતા તે વિસ્તારમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા. ભાજપના મોટાભાગના નેતાઓ વિસ્તારોમાં પહોંચ્યા તો નહીં જેને કારણે લોકોનો રોષ ખુબ જ આસમાને પહોંચ્યો છે જેઓની કર્મભૂમિ હોવાની અવારનવાર વાતો કરે છે તેવા પ્રધાનમંત્રી, નેતાઓ કે છાશવારે વડોદરા દોડી આવતા પ્રદેશ પ્રમુખ અને જળસંચય વિભાગના કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ આજદિન સુધી વડોદરાની મુલાકાતે દોડી આવ્યા નથી.
મુખ્યમંત્રી પણ એક વખત ઉડતી મુલાકાતે આવીને જતા રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી ત્રણ વખત આવ્યા પરંતુ પહેલી વખત પરશુરામના ભઠ્ઠામાં લોકોના રોષનો ભોગ બન્યા તે પછી લોકોને મળવાનું ટાળ્યું હતું અને રાત્રે મુલાકાત લીધી હતી. અન્ય એક દિવસ સીધા જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજી વિદાય થઇ ગયા હતા. એટલું જ નહીં ૧૨ દિવસ થવા આવ્યા છતાં કેન્દ્ર સરકારમાંથી કોઇ મંત્રી પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે આવ્યા નથી.