પગનો દુ:ખાવો દુર થઈ જશે, તાંત્રિક વિધિને બહાને ઠગ દંપતીએ કરી રૂપિયા ૮.૯૯ લાખની ચોરી

રામોલમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. તાંત્રિક વિધિ કરીને પગના દુ:ખાવો દૂર થઈ જશે તેમ કહીને ઠગ દંપતીએ યુવકના ઘરની તિજોરી ખાલી કરી નાંખી હોવાનો બનાવ સામે આવ્યો છે. તમારી તિજોરી અને ઘરમાં ઘણીબધી મેલી વસ્તુઓ છે માટે તિજોરીની ચાવી અહીંયા મૂકી દો અને તમે ઉપરના રૂમમાં જતા રહો તેમ કહીને યુવક અને તેના પરિવારને બીજા રૂમમાં ઘકેલી દીધા હતા. બાદમાં ઠગ મહિલાએ તિજોરી ખોલીને તેમાં રહેલા સોના-ચાંદીના દાગીના રોકડ રકમ સહિત કુલ ૮.૯૯ લાખની ચોરી કરી લીધી હતી. આ મામલે યુવકે રામોલ પોલીસ મથકે દંપતી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

મળતી માહિતી અનુસાર રામોલ જનતાનગરમાં રહેતા મહમંદ ઝુબેર મનસુરીને ઘણા વર્ષોથી પગમાં દુ:ખાવો થતો રહેતો હતો. તે દરમિયાન એક સબંધીએ દુ:ખાવો દૂર કરવા માટે તાંત્રિક વિદ્યા કરીને દુ:ખાવો દૂર થઈ જશે તેવા દંપતી સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ યુવક તે દંપતી પાસે જઈને ઈલાજ કરાવ્યો હતો. ઠગ દંપતીએ તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહીને ગત મે મહિનાથી જૂન મહિના સુધી યુવકને ઘરે આવતા રહ્યા હતા. દંપતીએ યુવકને કહ્યું કે, “તમારા ઘરમાં ઘણીબધી મેલી વસ્તુઓ છે અને તિજોરીમાં પણ ખરાબ વસ્તુઓ રહેલી છે.

જેથી તિજોરીની ચાવી અહીંયા મૂકી દો અને થોડીવાર માટે ઉપરના રૂમમાં જતા રહો મારે વિધિ કરવાની છે” કહીને યુવકના ઘરમાં રહેલી તિજોરીની ચાવી લઈને તેમાં રહેલા રોકડા રૂપિયા અને સોના-ચાંદીના દાગીના ચોરી કરી લીધા હતા.એટલું જ નહીં ઠગ દંપતીએ થોડા દિવસ સુધી તિજોરી ખોલતા નહીં નહીંતર તેમાં રહેલી તમારી કિંમતી ચીજવસ્તુઓ ગાયબ થઈ જશે એવું કહેતા યુવકે થોડા દિવસ સુધી તિજોરી ખોલી ન હતી.

બાદમાં યુવકની માતાને ઉમરાહ કરવા જવાનું હોવાથી તિજોરીમાં રહેલા સામાનની જરૂરિયાત ઉભી થતા તિજોરી ખોલીને તપાસ કરતા તેમાં રહેલા રોકડા રૂપિયા અને સોના-ચાંદીના દાગીના કુલ મળીને રૂ.૮.૯૯ લાખની ચોરી થયાની જાણ થઈ હતી. બાદમાં યુવકે દંપતીને ફોન કરીને દાગીના અને રોકડા રૂપિયા અંગે પૂછતા ઠગ દંપતીએ થોડા દિવસોમાં તમારા રૂપિયા આવી જશે તેવી વાતો કરવા લાગ્યા હતા. યુવકે થોડા દિવસ રાહ પણ જોઈ પરંતુ રૂપિયા નહીં આવતા આખરે આ મામલે રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અમરીન બાનુ મનસુરી અને અરબાઝ હારુનભાઈ મનસુરી વિરુદ્ધ ગુનો નોંયો છે.