દાહોદ શહેરના ભોઈવાડા વિસ્તારમાં ઘાર પાસે થાંભલા રોપવા બાબતે થયેલ ઝઘડા તકરારમાં પાંચ જેટલા ઈસમોએ એકને ગડદાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.
ગત તા.06 સપ્ટેમ્બરના રોજ દાહોદ શહેરના ભોઈવાડા વિસ્તારમાં રહેતાં કરણભાઈ હરીશભાઈ ભોઈ, ગોલુભાઈ જીવણભાઈ ભોઈ, રાજુભાઈ ભોઈનો છોકરો તથા કમસિંગ ભાઈનો છોકરાનાઓ પોતાના વિસ્તારમાં રહેતાં મુર્તુજાભાઈ મન્નાનભાઈ ભાટીયા (વ્હોરા)ના ઘર પાસે થાંભલા રોપતા હોઈ જેથી મુર્તુજાભાઈએ કહેલ કે, અહીંયા કેમ થાંભલા રોપો છો, તેમ કહેતાં ઉપરોક્ત ઈસમો એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં..
અને કરણભાઈએ પોતાના હાથમાં પહેરી રાખેલ ધારદાર કડુ મુર્તુજાભાઈને કપાળના ભાગે મારી લોહીલુહાણ કરી ઈજા પહોંચાડી હતી અને બાદમાં પાંચેય ઈસમોએ ભેગા મળી મુર્તુજાભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મુર્તુજાભાઈ મન્નાનભાઈ ભાટીયા (વ્હોરા)એ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.