લુણાવાડાના નંદન બિઝનેસ હબને ગેરકાયદેસર માટી પુરાણ બાબતે લાખોનો દંડ

લુણાવાડાના નંદન બિઝનેસ હબને ગેરકાયદેસર માટી પુરાણ બાબતે ખાણ ખનીજ વિભાગે રૂ.18. 87 લાખનો દંડ ફટકાર્યો. તાજેતરમાં ગેરકાયદેસર દબાણોના કારણે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીનું પાણી ફરી વળતાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. તેવામાં મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાંથી પસાર થતી વેરી નદીની આસપાસના બાંધકામો અંગે અનેક ઉઠવા પામ્યા છે આગામી ભવિષ્યમાં વડોદરા જેવી સ્થિતિ લુણાવાડામાં થવાની શક્યતા પર્યાવરન પ્રેમીઓ વ્યકત કરી રહ્યા છે ત્યારે નદી કિનારે થતાં બાંધકામો સરકારના નિયમો અનુસાર થાય તે જરૂરી બન્યું છે. હાલમાં મહીસાગર જીલ્લા મથક લુણાવાડામાં ગેરકાયદેસર બાંધકામો તેમજ ગેરકાયદેસર માટી પુરાણ કરી ખનીજ ચોરીનું દૂષણ વધ્યું છે ત્યારે ખનીજ વિભાગે એક બિલ્ડરને ગેરકાયદેસર માટી પુરાણ બાબતે લાખોની દંડનીય નોટિસ ફટકારતાં ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.

સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે, લુણાવાડા નગરમાં વેરી નદીના કિનારે નંદન બીઝનેસ હબ બની રહ્યું છે આ નવીન નિર્માણાધીન બાંધકામમાં મુખ્ય હાઈવેથી સદર બાંધકામની વચ્ચેનો ભાગ ગેરકાયદેસર રીતે માટી પુરાણ કરી દીધો હતો જેની જાણ મહીસાગર ખાણ ખનીજ વિભાગ થતાં તેમની ટીમ દ્વારા ગત 29/05/2024 ના રોજ લુણાવાડાના સર્વે નંબર. 474 પૈકી વાળી જમીનમાં આવેલ નંદન બીઝનેસ હબ ખાતે તપાસ કરવામાં આવી હતી. જેમાં 7647.52 મે.ટન સાદી માટી ખનીજનું ગેરકાયદેસર સંગ્રહ કરેલ હોવાનું સાબિત થયું હતું. જે અંગે નંદન બીઝનેસ હબને સાદી માટી ખનીજનું ગેરકાયદેસર સંગ્રહ કરવા બદલ તથા એન્વાયરમેન્ટ કમ્પેન્શેશન મુજબ કુલ રૂ. 18,87,025 /- દંડકીય રકમ ભરપાઈ કરવા મહીસાગર જીલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા કસૂરદારને નોટીસ પાઠવવામાં આવેલ છે.આ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.