અમરેલીમા રેલ્વે વિભાગે સિંહોના મોત અટકાવવા ૪૫ રેલ્વે સેવકોને ખડે પગે તૈનાત કર્યા

અમરેલીમાં વનવિભાગ અને રેલ્વે વિભાગે આડે દિન સિંહોના થતા અકસ્માત અને મોતને અટકાવવા ટેક્નોલોજી બાદ ૪૫ જેટલા રેલ્વે સેવક અને ટ્રેર્ક્સને ૨૪ કલાક માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ રેલ્વે સેવકો ટ્રેન આવવાના ૧૫ મિનિટ પહેલા જ એલર્ટ થઈ જાય છે અને ટ્રેક પર ચેકિંગ કરી વન્યપ્રાણીઓને ટ્રેકથી દૂર કરી દે છે.

સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં સિંહોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. રાજુલા-પીપાવાવની આસપાસ પણ મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહ્યાં છે. દરિયાઈ કિનારે પણ સિંહોએ પોતાના રહેઠાણ વસાવ્યા છે. પરિણામે તેમના મોત થતા હોય છે. જેથી હાઈકોર્ટે સરકારને ખખડાવતા તંત્ર હાલ સફાળું જાગ્યું છે.

તંત્રએ રાજુલા, પીપાવાવ પોર્ટ, સાવરકુંડલા સહિતના વિસ્તારમાં અત્યાર સુધીમાં ટ્રેન અડફેટે ૧૮ સિંહોના મોત નિપજ્યા બાદ રેલ્વે સેવકોને તૈનાત કર્યા છે. તંત્રએ હમણાં વનવિભાગના ટ્રેકરથી લઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કક્ષાના અધિકારીઓ રેલવે ટ્રેક પર સિંહોના થતા અકસ્માત અટકાવવા એલર્ટ કર્યા છે. રેલવે ટ્રેક આસપાસ ૧૨ વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. ટ્રેક નજીક ૪૫ સેવકોને સિંહોની સુરક્ષા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.

રેલવે ટ્રેક પર સિંહો કે અન્ય વન્યપ્રાણીઓની ગતિવિધિઓને રોકવા માટે વનવિભાગ દ્વારા ૪૦ જેટલી સેન્સર સોલાર લાઈટ પણ લગાડવામાં આવી છે. જે સામાન્ય સ્થિતિમાં ડીમ હોય છે. પરંતુ, જ્યારે નજીકમાં ટ્રેક પર સિંહ કે કોઈ અન્ય વન્ય પ્રાણી આવે તો લાઈટ ફૂલ થઈ જાય છે. જેથી નજીકમાં રહેલા રેલવે સેવક એલર્ટ થઈ જાય છે. અમરેલીમાં ઓગસ્ટ મહિનામાં ૪૬ જેટલા સિંહોના જીવ બચાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

રાજુલા રેન્જ ઓફિસરનું કહેવું છે કે રાજુલા રેલ્વે ટ્રેક વિસ્તારમાં સિંહોની સુરક્ષા માટે પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવતું હોય છે. રેલ્વે સેવકોને વન્યપ્રાણીના મેસેજ મળતા હોય છે અને ટ્રેન આવવાના ૧૦ મિનિટ પહેલા ટેલીફોનિકથી જાણ કરી દેવામાં આવે છે. જો સિંહની હાજરી જણાય તો ટ્રેક વિસ્તારમાં હોય તો તાત્કાલિક ચેતવણી આપી રેલવે વિભાગને જાણ કરવામાં આવે છે તે દરમ્યાન જો સિંહ ટ્રેક ઉપર આવે તો રેલવે સેવકોને ફાળવેલ બેટન લાઈટ આપી રેડ સિગ્નલ આપી ટ્રેનને ઉભી રાખવામાં આવી સિંહને બચાવી લેવાય છે.