પશ્ર્ચિમ બંગાળના કોલક્તામાં આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક તાલિમાર્થી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેની હત્યા કરવામાં આવી હતી. ૯ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ બનેલી આ ઘટનાના પડઘ સમગ્ર દેશમાં પડ્યા હતા. તબીબો દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને હડતાળ કરાઈ હતી. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ.બંગાળના મુખ્યમંત્રીને સંબોધીને એક પત્ર લખ્યો છે જેમાં ગુજરાતમાં દુષ્કર્મ અને પોસ્કો કેસના ચૂકાદાના ઉદાહર ટાંકીને કહ્યું છેકે, મમતા દીદી વાતો નહી પરંતુ કાર્યવાહીની જરૂર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા ટ્વીટર પર એક પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છેકે, મમતા દીદી વાતો નહીં કાર્યવાહીની જરૂર છે. મહિલાઓની સલામતી માટે પોસ્કો કાયદો અને અન્ય કાયદાઓ મજબૂત છે, પરંતુ તેમની અસર સ્થાનિક પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયી કાર્યવાહી પર આધારિત છે. તપાસથી માંડીને દોષિત ઠેરવવા સુધી, સમયસર ન્યાય નિર્ણાયક છે. આ સાથે તેમણે ત્રણ કેસ ઉદાહરણ સ્વરૂપે રજૂ કર્યા છે.
જેમાં બે કેસ સુરતના છે અને એક કેસ ભાવનગરનો છે. કેસની ટૂંકી વિગતો જણાવતા ટ્ટીટમાં લખ્યું છેકે, સુરતના પાંડેસરા પોસ્કો કેસમાં ૧૦ દિવસમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી અને, ૨૨ દિવસમાં ફાંસીની સજા. પુના પોલીસ સ્ટેશન કેસમાં દુષ્કર્મીને ૩૨ દિવસમાં ફાંસીની સજા આપવામાં આવી છે. માત્ર દુષ્કર્મના કેસોમાં જ નહીં, પરંતુ ૨૨ વર્ષની દીકરીની હત્યામાં પણ ગુજરાત પોલીસે ૯ દિવસમાં આરોપપત્ર દાખલ કર્યું હતું અને ૭૫ દિવસની અંદર ન્યાય આપવામાં આવ્યો હતો, જેમાં ખૂનીને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.
ભાવનગર પોસ્કો કેસમાં ૨૪ કલાકમાં ચાર્જશીટ દાખલ થઇ અને ૫૨ દિવસમાં ન્યાય મળ્યો છે. પીછો કરવા અને સતામણીના કેસોમાં દોષિતોને ૫ વર્ષની સજા થઇ છે. મહિલાઓની સુરક્ષાએ મૂળભૂત માનવ અધિકાર છે, રાજકીય મુદ્દો નથી. આપણે તાકીદ, પારદશતા અને સામૂહિક જવાબદારી સાથે કામ કરવું જોઈએ. ચાલો આપણે સુનિશ્ર્ચિત કરીએ કે આપણી માતાઓ, દીકરીઓ અને બહેનો ભય વગર જીવે. હવે કોઈ વિલંબ નહીં, કોઈ બહાનું નહીં-માત્ર તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે.