05 સપ્ટેમ્બર શિક્ષક દિવસ ઉજવણીના ભાગરૂપે ખેડા જીલ્લાની વાવડી પ્રાથમિક શાળાના શિક્ષક હિરેનકુમાર હસમુખભાઈ શર્માને ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે. જે સમગ્ર ખેડા જીલ્લા માટે ગૌરવની વાત છે. તેમને શિક્ષણમાં ઈનોવેશન, લેખન અને સંશોધન માટે આ એવોર્ડ આપવામાં આવેલ છે.
હિરેનકુમાર હસમુખભાઈ શર્મા ખેડા તાલુકાની સરકારી, પ્રાથમિક શાળા વાવડી, મુ.વાવડી,પોસ્ટ-વાસણા બુઝર્ગ ખાતે મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે પી.ટી.સી.,બી.એ.,એમ.એ.,બી.એડ સુધી અભ્યાસ કર્યો છે અને તેઓ 15 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવે છે.
હિરેનકુમારે શિક્ષણ ક્ષેત્રે અનેકવિદ્ધ સિદ્ધિઓ હાંસિલ કરેલ છે. તેમને શિક્ષણમાં ઇનોવેશન માટે વિશ્ર્વ કક્ષાએ ટોપ-20 રનર-અપ તરીકે સ્થાન મેળવેલું છે. જીએસઆરટીસી દ્વારા દર વર્ષે યોજતા ઇનોવેશન ફેર અને વિજ્ઞાન મેળામાં રાજ્યકક્ષા સુધી પહોંચ્યા છે. વર્ષ 2021-22માં ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટસ ક્ધટેન્ટ કોમ્પીટીશનમાં આખા ભારતમાં શ્રેષ્ઠ રીસર્ચર તરીકે પસંદગી થયેલ છે. અચલા, જીવન શિક્ષણ, બાળ વિશ્ર્વ, પ્રગતિશીલ શિક્ષણ, દેશ પરદેશ જેવા સામયિકોમાં લેખન કરેલ છે. તેમજ કમ્પ્યુટર મોડ્યુલ સંગીત મોડ્યુલ મુદ્દાઓ પર રાજ્યકક્ષાએ લેખન કરેલું છે. વધુમાં, અચલા, ચિત્રકૂટ એવોર્ડ અને નેશનલ આઈસીટી એવોર્ડ પ્રાપ્ત કરેલ છે તથા પ્રાથમિક શાળા વાવડીને સ્માર્ટ શાળા બનાવવામાં સહકાર આપેલ છે.