દાહોદ જીલ્લાના ત્રણ અલગ-અલગ સ્થળેથી 1.40 લાખના ઈંગ્લીશ દારૂ સાથે એક ઈસમને ઝડપ્યો

દાહોદ જીલ્લામાં પ્રોહીના ત્રણ અલગ અલગ બનાવોમાં પોલીસે કુલ રૂા.1,40,500ના પ્રોહી જથ્થા સાથે બે વાહનો સાથે પાંચ ઈસમો પૈકી પોલીસે એક ઈસમને પકડી પાડ્યો. જ્યારે ચાર ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયાં હોવાનું જાણવા મળે છે.

પ્રોહીબીશનનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆના દેગાવાડા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.05મી સપ્ટેમ્બરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે દેગાવાડા ગામે ચોકડી ફળિયામાં રહેતાં બાબુભાઈ લટુભાઈ બારીઆના રહેણાંક મકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં પોલીસને જોઈ બાબુભાઈ પોલીસને ચકમો આપી નાશી જવામાં સફળ રહ્યો હતો. ત્યારે પોલીસે તેના રહેણાંક મકાનમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.223 જેની કુલ કિંમત રૂા.31,690નો પ્રોહી જથ્થો કબજે કરી આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીબીશનનો બીજો બનાવ ધાનપુરના વાખસીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.05મી સપ્ટેમ્બરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે વાખસીયા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ બે મોટરસાઈકલ પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ત્યારે દુરથી પોલીસને જોઈ બંન્ને મોટરસાઈકલના ચાલક લિલેશભાઈ કવિતભાઈ વાખળા (રહે. પીપરગોટા, તા. ધાનપુર, જી.દાહોદ) અને અન્ય એક મોટરસાઈકલનો ચાલક બંન્ને મોટરસાઈકલા ચાલકો પોલીસને ચકમો આપી પોતાના કબજાની બંન્ને મોટરસાઈકલો સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે મોટરસાઈકલ પાસે જઈ તલાસી હાથ ધરતાં મોટરસાઈકલ પાસેથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.249 કિંમત રૂા.37,770ના પ્રોહી જથ્થા સાથે બંન્ને મોટરસાઈકલોની કિમત મળી પોલીસે કુલ રૂા.1,27,770 નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે ધાનપુર પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીબીશનનો ત્રીજો બનાવ ગરબાડાના બોરીયાલા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.05મી સપ્ટેમ્બરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ગોરીયાળા ગામે ચોકડી પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં જ્યાંથી બાતમીમાં દર્શાવેલ એક છકડો પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને છકડો નજીક આવતાં સાથે પોલીસે છકડાના ચાલત માનસિંહભાઈ બદીયાભાઈ ઉર્ફે બદુભાઈ ભાભોર (રહે.ગાંગરડા, હોળી ફળિયા, તા.ગરબાડા, જી.દાહોદ) નાની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે છકડાની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.480 કિંમત રૂા.71,040ના પ્રોહી જથ્થા સાથે છકડાની કિંમત મળી પોલીસે કુલ રૂા.1,24,040નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ છકડાના ચાલકની પુછપરછ કરતાં આ પ્રોહી જથ્થો કાળીયાભાઈ ઉર્ફે કાળુભાઈ બચુભાઈ મંડોડ (રહે. ગુલબાર, તા. ગરબાડા, જી.દાહોદ) નાએ ભરી આપ્યો હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરતાં આ સંબંધે ગરબાડા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.