ગોધરા શહેરમાં પડેલા અતિભારે વરસાદના પગલે ગોધરા શહેરના ઘણા ખરા રસ્તાઓ વરસાદી પાણીના લીધે ધોવાયા હતા અને તૂટીને અત્યંત જર્જરિત બન્યા હતા. જેના કારણે અવાર નવાર સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકો દ્વારા સમારકામ કરવા માટે રજૂઆત કરવામાં આવતી હતી. પરંતુ પાલિકા તંત્ર દ્વારા ખાલી રોડ રસ્તાઓમાં રોડાઓ નાખી પુરાણ કરવામાં આવતું હતું. જે કામગીરીથી સ્થાનિક લોકો નારાજ હતા.
આખરે શહેરની રોડ રસ્તાની સમસ્યા અને તકલીફોને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય સી.કે.રાઉલજીના પુત્ર માલવદિપસિંહ રાઉલજીએ હસ્તક્ષેપ કરીને શહેરના રસ્તાઓના સમારકામને કરવા માટે એક પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકી હતી. જે બાદ ગતરાત્રીએ ગોધરા શહેરના બસ સ્ટેન્ડથી બગીચા રોડ સુધી તૂટી ગયેલા રસ્તાઓને તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આખી રાત સુધી રસ્તાના લેવલીંગ કરી રોડના સમરકામ કરવા તૈયારીઓ કરતા હતા. એટલામાં વહેલી સવારે વરસાદ ખાબકતા રાતભરની મહેનત પાણીમાં ધોવાઈ ગઈ હતી.
ગોધરા શહેરમાં આવેલ મુખ્ય માર્ગોના રસ્તા અત્યંત જર્જરિત હોવાના કારણે રાહદારીઓ વાહન ચાલકો અને સ્થાનિક હેરાન પરેશાન થઈ ગયા હતા. વારંવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હતી અને માત્રને માત્ર ખાડાઓમાં રોડા પુરી અને કામગીરી કરવામાં આવતી હતી. જેના લીધે સ્થાનિક રહીશો નગરપાલિકાની આ કામગીરી થી નારાજ હતા. આખરે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીને આ બાબતની જાણ થઈ કે ગોધરા શહેરના મુખ્ય માર્ગોના રસ્તા અત્યંત જર્જરીત છે. તેમજ આગામી સમયમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે ઘણા ખરા ગણેશ મંડળ ગણપતિ બાપાની મૂર્તિઓનું આગમન આ મુખ્ય રસ્તાઓ પરથી કરતા હોય છે.
જેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક લાગતા વળગતા તંત્રને રોડ બનાવવા માટે સૂચન કર્યા હતા. જે સૂચનના આધારે ધારાસભ્ય સી.કે.રાઉલજીના પુત્ર માલવદીપસિંહ રાઉલજીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગોધરા શહેરના જે મુખ્ય રસ્તાઓ છે, તેની કામગીરી કરવામાં આવશે. ત્યારે ગત રાત્રીએ ગોધરાના મુખ્ય રસ્તાઓનું કામગીરી શરૂ કરવામાં આવી હતી અને રોડ સમારકામ કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી ગોધરા શહેરમાં વરસાદ વરસતા ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ રોડ ઉપર કરવામાં આવેલું લેવલીંગ ધોવાણ થયું હતું. જો કે, હાલ વરસાદના વિઘ્નના કારણે કામગીરી સ્થગિત કરવામાં આવી છે. પરંતુ જેવો વરસાદ રોકાશે તેવી કામગીરી ફરીથી પૂર્ણ શરૂ કરવામાં આવશે.