શિક્ષકોની ભરતી અંગે ઉમેદવારોનું ફરી ધરણા પ્રદર્શન ’શિક્ષક દિવસ’ પર ગાંધીનગરમાં પ્રદર્શન

રાજ્ય સરકાર દ્વારા અગાઉ શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ટેટ એચએસની ૪ હજાર જગ્યાઓની ભરતી માટે ૧ સપ્ટેમ્બરનાં રોજ નોટિફિકેશન જાહેર થશે તેવું કહેવામાં આવ્યું હતું. જો કે, નોટિફિકેશન જાહેર ન થતા ઉમેદવારોએ આંદોલનની જાહેરાત કરી હતી. આજે ટેટ પાસ ઉમેદવારો ’શિક્ષક દિવસ’ નિમિત્તે ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવા પહોંચ્યા છે.

રાજ્યમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર ભરતી અંગે આજે ગાંધીનગરમાં ઉમેદવારો ધરણા પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. આજે ગુજરાત સહિત દેશભરમાં ’શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ગાંધીનગરમાં એક વાર ફરી શિક્ષકો દ્વારા ભરતી, પગાર સહિતના વિવિદ મુદ્દાઓ સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોનું કહેવું છે કે, રાજ્ય સરકારે અગાઉ શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી હતી.

ઉમેદવારોએ આગળ જણાવ્યું કે, આ જાહેરાતમાં ટેટ એચએસની ૪ હજાર જગ્યાઓની ભરતી માટે ૧ સપ્ટેમ્બરનાં રોજ નોટિફિકેશન જાહેર થશે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ, ત્યાર સુધી સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. આથી અમે ફરી એકવાર ગાંધીનગર આંદોલન કરવાનાં છીએ. સરકાર અમારી માગોનું જલદી નિરાકરણ લાવે એવી અમારી માગ છે.