ભાજપની પહેલી યાદી આવતા જ હરિયાણામાં બળવો,લક્ષ્મણ નાપાનું આપ્યું

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તેજના વધી રહી છે. ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જે બાદ ટિકિટ ન મળતા કેટલાક લોકોએ બળવો શરૂ કરી દીધો છે. ભાજપ માટે સતત બે દિવસમાં આ બીજો આંચકો છે. ગુરુવારે ભાજપના રતિયાના ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સિરસાના પૂર્વ સાંસદ સુનિતા દુગ્ગલને રતિયા વિધાનસભા મતવિસ્તારથી મેદાનમાં ઉતાર્યા છે. આનાથી નારાજ થઈને લક્ષ્મણ નાપાએ પાર્ટી છોડી દીધી.

આ પહેલા બુધવારે ભાજપના અન્ય એક વરિષ્ઠ નેતા શમશેર ગિલે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ઉકલાણા વિધાનસભા મતવિસ્તારમાંથી પક્ષની ટિકિટની ખોટી ફાળવણીના વિરોધમાં પક્ષ છોડવાની જાહેરાત કરી હતી. ગિલ કહે છે કે આ ટિકિટ ફાળવણી માત્ર પાર્ટીને જ નારાજ કરશે પરંતુ સમગ્ર હરિયાણાને ભારે નુક્સાન પહોંચાડશે.

દરમિયાન, નવીન ગોયલે, જે ગુરુગ્રામ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઇચ્છે છે, તેણે બુધવારે શહેરમાં પદયાત્રા દ્વારા પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કર્યો. પદયાત્રામાં સેંકડો લોકો જોડાયા હતા. ગુરુગ્રામ વિધાનસભા ક્ષેત્ર માટે ભાજપની ટિકિટના દાવેદારોમાં પૂર્વ ધારાસભ્યો સુધીર સિંગલા, જીએલ શર્મા, મુકેશ શર્મા, ગાર્ગી કક્કર અને સુભાષ ચંદ સિંગલાનો સમાવેશ થાય છે. ગોયલે કહ્યું, ‘મારા સમર્થકોએ મને ગઈકાલે રાત્રે મીટિંગ કરવાનું કહ્યું હતું. બેઠકમાં પદયાત્રા કાઢવાનું નક્કી કરાયું હતું. મારા રાજકીય ભવિષ્ય વિશે ગુરુગ્રામના લોકો નિર્ણય લેશે. મને આશા છે કે પાર્ટીમાં મારા કામને મહત્વ આપવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીએ ૯૦ સભ્યોની હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ૬૭ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈનીને લાડવા સીટ પરથી ઉમેદવાર બનાવવાની સાથે ભાજપે તાજેતરમાં જ પાર્ટીમાં જોડાયેલા ઘણા લોકોને ટિકિટ આપી છે.