કાયદા મંત્રીએ લક્ષ્મણ રેખા પાર કરી, સુપ્રીમ કેન્દ્રની દયા પર નિર્ભર છે એવું ન વિચારતા: સાલ્વે

નવીદિલ્હી,

મોદી સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ઘણા મુદ્દાઓ પર તણાવ ચાલી રહ્યો છે. પછી કોલેજિયમની ભલામણોને ન માનવું હોય કે, પછી ચૂંટણી કમિશનરની નિમણૂકનો મામલો હોય આ તમામ મુદ્દાઓ પર તણાવ સતત વધી રહ્યો છે.

હવે સીનિયર એડવોકેટ હરીશ સાલ્વેનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કાયદા મંત્રી કિરેન રિજિજુ વિશે કહ્યું છે કે, તેઓ તેમની લક્ષ્મણ રેખાને પાર કરી ગયા છે. આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો વિવાદ હાલમાં કેટલી હદે વધી રહ્યો છે.

થોડા દિવસો પહેલા સરકાર દ્વારા એક નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું હતું કે, અરુણ ગોયલની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી ત્યારબાદ બાદ સુપ્રીમ કોર્ટે સરકારને આકરા સવાલો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે સરકાર પાસે આ નિમણૂકની સંપૂર્ણ વિગતો માંગી અને કહ્યું કે ૨૪ કલાકથી ઓછા સમયમાં નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો. સરકાર પર એવો આરોપ છે કે અરુણ ગોયલને નિવૃત્તિ પછી તરત જ આ પદ પર મૂકવામાં આવ્યા હતા. જે નિયમો વિરુદ્ધ છે. બીજી તરફ સરકારે જવાબ આપ્યો હતો કે, ભૂતકાળમાં પણ આવું થયું છે અને કોઈ નિયમનું ઉલ્લંઘન નથી થયું.

હવે વાત કરીએ સિનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ કાયદા મંત્રી વિશે આવું નિવેદન કેમ આપ્યું. સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને સરકારને કડક સૂરમાં સવાલ કર્યો ત્યારે કાયદા મંત્રીએ જવાબ આપ્યો. એક કાર્યક્રમ દરમિયાન સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર સવાલ ઉઠાવતા રિજિજુએ કહ્યું કે, આ કેવો સવાલ છે? જો એવું છે તો આગળ લોકો એ પણ પૂછી શકે છે કે, કોલેજિયમ જજોના નામની પસંદગી કેવી રીતે કરે છે. તેના પર પણ સવાલો ઉઠાવી શકાય છે. ન્યાયાધીશોએ તેમના નિર્ણયોઓ દ્વારા બોલવું જોઈએ અને આવી ટિપ્પણીઓ કરવાથી બચવું જોઈએ.

હવે કાયદા મંત્રીના તે નિવેદનનો ઉલ્લેખ કરીને હરીશ સાલ્વેએ એક કાર્યક્રમ દરમિયાન તેને લક્ષ્?મણ રેખા પાર કરી હોવાનું ગણાવ્યું છે. સાલ્વેએ કહ્યું કે, મને લાગે છે કે કાયદા મંત્રીએ જે પણ કહ્યું તેનાથી તેમણે લક્ષ્મણ રેખાને પાર કરી છે. જો તે વિચારે છે કે સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય હોય તેવી કોઈ બાબત માટે પોતાનો હાથ પાછળ રાખવો જોઈએ અને કાયદામાં સુધારો કરવા માટે સરકારની દયા પર આધાર રાખવો જોઈએ તો માફ કરજો તે બિલકુલ ખોટું છે.

સાલ્વેએ તેમના સંબોધન દરમિયાન રાજદ્રોહ કાયદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે રાજદ્રોહનો કાયદો ખતમ કરવો જોઈએ. કારણ કે તેમના મતે તે કોલોનિયલ લો હતો જે ફ્રી સ્પીચની વિરુદ્ધ છે.

Don`t copy text!