બાપા ફ્રોમ છાપા, ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ: નડિયાદમાં રહેતા હીના જાની દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે ‘બાપા ફ્રોમ છાપા’ ની થીમ આધારિત કાગળમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે.

પેપર માંથી તૈયાર કરવામાં આવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એકદમ લાઇટ વેઇટ હોવાથી મૂર્તિ-સ્થાપન થી લઈને મૂર્તિ-વિસર્જન સુધી તમામ ક્રિયાઓ સરળતાથી સંભાળી શકાય છે. મૂર્તિની બનાવટમાં મુખ્યત્વે છાપાના કાગળ, દેશી ગુંદર અને ઈકો ફ્રેન્ડલી વોટર કલર વાપરવામાં આવતા હોવાથી પાણીમાં રહેલા જીવોને નુકસાન થવાનો ભય રહેતો નથી.

આ રીતે મૂર્તિ બનાવવાના ઉમદા હેતુ વિશે જણાવતા હીના જાની કહે છે કે, પેપર લાકડાં માંથી બનતા હોઈ પેપર માંથી તૈયાર થયેલી મૂર્તિથી પાણીમાં રહેતાં જળચર સહિત તમામ જળસૃષ્ટિ માટે લાભદાયી છે.

પ્લાસ્ટિક અને પ્લાસ્ટર ઑફ પેરીસ વિવિધ કેમીકલ્સ કે અન્ય સામગ્રીની તુલનામાં ન્યુઝપેપર પાણીમાં સરળતાથી ઓગળી જાય છે અને જળચર જીવોને પણ ઓછું નુકશાન કરે છે. પર્યાવરણ અને આસ્થાના મુદ્દે હીના જાની કહે છે કે ગજાનંદ ગણેશએ વિઘ્નહર્તા દેવ છે અને ગણેશજીની મૂર્તિ ગણેશ વિસર્જન વખતે જળજીવન માટે વિધ્નકર્તા ન બની જાય તે જોવાની જવાબદારી તમામ ભક્તો અને નાગરીકોની છે.