બીજીંગ,
ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ જિયાંગ ઝેમીનનું ૯૬ વર્ષની વયે નિધન થયું છે. ચીનના અહેવાલ અનુસાર, તેઓ લ્યુકેમિયા રોગથી પીડિત હતા. જેના કારણે તેમના શરીરના ઘણા ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.
જિયાંગ ઝેમીન ૧૯૮૯ના તિયાનમેન સ્ક્વેર વિરોધ બાદ ચીનનું નેતૃત્વ કરવા માટે ચૂંટાયા હતા. અહેવાલ અનુસાર, ૧૯૯૩માં સત્તા મેળવ્યા બાદ તેમણે લગભગ એક દાયકા સુધી ચીન પર કબજો જમાવ્યો હતો. જિયાંગનું મોત એવા સમયે થયું છે જ્યારે કોવિડ પ્રતિબંધોને કારણે ચીનના વિવિધ શહેરોમાં જોરદાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. જિયાંગના શાસન દરમિયાન તિયાનમેન સ્ક્વેર વિરોધ પછી ચીનમાં કોઈ મોટા પ્રદર્શનો થયા ન હતા.
જિયાંગને હંમેશા મહેનતુ નેતા તરીકે જોવામાં આવે છે. જેમણે ધીમે ધીમે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં પ્રગતિ કરી હતી. તેમના નેતૃત્વમાં જ ચીનની અર્થવ્યવસ્થા મજબૂત થઈ હતી અને સામ્યવાદીઓએ સત્તા સંભાળીને વિશ્ર્વ શક્તિઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
જિયાંગે ૧૯૯૭માં હોંગકોંગના શાંતિપૂર્ણ ટ્રાન્સફર અને ૨૦૦૧માં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં ચીનના પ્રવેશની દેખરેખ રાખી હતી. તેનાથી દેશની અર્થવ્યવસ્થાને વૈશ્ર્વિક સમુદાય સાથે જોડવામાં મદદ મળી હતી.