ઝાલોદ નગરના માઇ ભક્તોનું પગપાળા સંઘ અંબાજી યાત્રાએ જવા નીકળ્યું

  • ખોડિયાર માતાના મંદિરે આરતી પૂજન અને ધ્વજાનુ પૂજન કરી ઢોલનગારા અને ફટાકડાની ભવ્ય આતસબાજી સાથે નીકળ્યું.

ઝાલોદ નગરમાં વાયરસ ગ્રુપ દ્વારા છેલ્લા 24 વર્ષો થી પગપાળા યાત્રા સંઘ અંબાજી મંદિરે જવા આયોજન કરવામાં આવે છે. આ પગપાળા યાત્રા સંઘ 2000 ના વર્ષ થી ચાલે છે ફક્ત 5 વ્યક્તિઓ થી ચાલુ કરવામાં આવેલ આ યાત્રાએ આજે મોટું રૂપ ધારણ કરેલ છે. આજની 25 મી પગપાળા યાત્રાને વધાવવા મોટા પ્રમાણમાં નગરજનો ઉમટી પડેલ હતા. વાયરસ ગ્રુપ દ્વારા અંબાજી યાત્રામાં જનાર ભક્તોના નામ 1 મહીના અગાઉથી લખવામાં આવે છે. જેથી યાત્રા દરમ્યાન કોઈ પણ પદયાત્રીને કોઈ પણ જાતની તકલીફ ન પડે.

ઝાલોદ નગરનો અંબાજી મંદિરે પગપાળા સંઘ આજરોજ તારીખ 04-09-2024 ના રોજ રાત્રીના 8 વાગે ખોડિયાર મંદિરે ઉપસ્થિત રહ્યો હતો. ઉપસ્થિત સહુ લોકોએ ખોડિયાર મંદિરે આરતી પૂજા તેમજ ધ્વજાનુ પૂજા અર્ચન કરી માઁ અંબાના આશીર્વાદ લઇ સહુ માઈ ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષ સાથે નીકળ્યું હતું. નગરમાં પગપાળા સંઘની યાત્રા જેમ જેમ નીકળવા લાગી તેમ યાત્રાને વધાવવા તેમજ માતાના રથના આશીર્વાદ લેવા મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા. આ પગપાળા સંઘના યાત્રીઓને અંબાજી જવા આશીર્વાદ આપવાં નગરના માર્ગો પર મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

પગપાળા સંઘ જેમ જેમ યાત્રામાં આગળ વધતો જતો હતો, તેમ તેમ નગરના દરેક માર્ગો પર માઁ અંબાના આશીર્વાદ લેવા ભક્તોનો ઘસારો જોવા મળતો હતો. નગરના દરેક માર્ગો પર પગપાળા સંઘ બેંડબાજા અને નાશિક ઢોલના તાલે નીકળતા માઈ ભક્તો નાચતા ઝૂમતા જોવા મળતા હતા. નગરના દરેક માર્ગો પર ફટાકડાની ભવ્ય આતસબાજી કરવામાં આવતી હતી. પગપાળા સંઘને નગરના મુવાડા ચોકડી સુધી મૂકવા નગરના લોકો આવેલ હતા. સહુ નગરજનો એ માઈ ભક્તોની પગપાળા યાત્રા સફળ રહે તેવા આશીર્વાદ આપી પગપાળા સંઘને નગરમાંથી વિદાય આપી હતી. માઈ ભક્તો પણ નગરના સહુ લોકોના આશીર્વાદ લઇ ધન્ય માની માઁ અંબાના આશીર્વાદ થકી બોલ માડી અંબે જય જય અંબેના જય જયકાર સાથે અંબાજી જવા રવાના થયું હતું.