દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકામાં ભોજેલા ગામનો યુવાન ચિરાગ વળવાઈ 1 જુલાઈ 2024 નારોજ સાયકલ પર ઉત્તરાખંડની ચારધામની યાત્રાએ નીકળ્યો હતો. ઉત્તરાખંડના ચારધામ એટલે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી જે યાત્રાની દ્રષ્ટિએ થોડા કઠિન છે. ચિરાગ વળવાઈને સાયકલ યાત્રા દરમ્યાન કુદરતી રીતે ઘણી તકલીફ પડી હતી. તેમજ ત્યાં વાદળ ફાટી જવાની ઘટનામાં તેઓ ત્યાં ફસાઈ પણ ગયા હતા.
છતાંય મનમાં અડગ ભાવના અને શ્રદ્ધા થકી ચારેધામની યાત્રા પૂરી કરી હતી. આ યાત્રા પછી અંદાજીત 65 દિવસ પછી આ યુવક તારીખ 06-09-2024 નારોજ પોતાના વતન પર પહોંચવાના છે. અંદાજીત 2500 કિલોમીટરની સાયકલ યાત્રા આ યુવક દ્વારા કરવામાં આવી છે. આજરોજ તારીખ 05-09-2024 નારોજ સાંજના 5 વાગે આ યુવક ઝાલોદ મુકામે પહોંચ્યો હતો. ત્યારે આ યુવાનનું સ્વાગત નગરના હિન્દુ સંગઠનના યુવાનો દ્વારા સરદાર પટેલ ચોક ખાતે કરવામાં આવ્યું હતું. આ યુવકના ચહેરા પર ઉત્તરાખંડની ચારધામની યાત્રા પૂરી કરવાનો અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળતો હતો.