આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં પાકિસ્તાન ખૂબ નીચે, વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમ પણ પાકિસ્તાનથી ઉપર

બાંગ્લાદેશ સામે ઘરઆંગણે શરમજનક હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાનની ટીમ ઘણી ટીકાઓનો સામનો કરી રહી છે. ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં કારમી હારનો સામનો કર્યાના એક દિવસ બાદ પાકિસ્તાનની ટીમને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં, ૨ ટેસ્ટ મેચની શ્રેણીમાં ધૂળ ખાઈને પાકિસ્તાનની ટીમ આઇસીસી રેક્ધિંગમાં નીચે આવી ગઈ છે. પાકિસ્તાનની ટીમની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમો તેનાથી ઉપર છે. પાકિસ્તાનથી માત્ર ૪ ટીમો નીચે છે. તાજેતરની આઇસીસી ટેસ્ટ ટીમ રેક્ધિંગમાં પાકિસ્તાન ૨ સ્થાન નીચે આવી ગયું છે અને હવે તે ૮માં નંબરે પહોંચી ગયું છે. પાકિસ્તાનના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી ખરાબ ટેસ્ટ રેક્ધિંગ છે.

૨૦૨૧થી ઘરેલુ ટેસ્ટ મેચોમાં પાકિસ્તાનનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. પાકિસ્તાનની ટીમ તેની છેલ્લી ૧૦માંથી ૬ ટેસ્ટ મેચ હારી છે જ્યારે અન્ય ચાર ડ્રો રહી છે. તેની ઘરેલું ટેસ્ટમાં છેલ્લી જીત ફેબ્રુઆરી ૨૦૨૧માં મળી હતી. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા યજમાન પાકિસ્તાનની ટીમ ટેસ્ટ રેક્ધિંગમાં છઠ્ઠા સ્થાને હતી, પરંતુ સતત ૨ મેચ હાર્યા બાદ હવે તે ૭૬ રેટિંગ પોઈન્ટ સાથે વેસ્ટ ઈન્ડિઝથી નીચે પહોંચી ગઈ છે. ૧૯૬૫ પછી ટેસ્ટ રેક્ધિંગમાં પાકિસ્તાનના આ સૌથી નીચા રેટિંગ પોઈન્ટ છે, સિવાય કે ટૂંકા ગાળાને બાદ કરતાં જ્યારે તેઓ ઓછી મેચો રમવાને કારણે રેક્ધિંગમાં નહોતા આવ્યા.

આઈસીસીની તાજેતરની ટેસ્ટ રેક્ધિંગમાં ઓસ્ટ્રેલિયા ૧૨૪ રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર છે. રેક્ધિંગમાં ભારત બીજા સ્થાને છે. ટીમ ઈન્ડિયા રેટિંગ પોઈન્ટ્સમાં ઓસ્ટ્રેલિયા કરતા માત્ર ૪ પોઈન્ટ ઓછા છે. ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝને પાકિસ્તાન ૨ સ્થાન નીચે આવવાને કારણે ૧-૧ સ્થાનનો ફાયદો થયો છે. શ્રીલંકા છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સાતમા સ્થાને પહોંચી ગયું છે.